વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણને નષ્ટ કરવાનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. સાયખા અને વિલાયત GIDCના બેફામ ઉદ્યોગપતિઓએ બધી હદો વટાવીને ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી દીધું છે, જેના પરિણામે હજારોની સંખ્યામાં જળચર જીવોનો કરૂણ અને ધીમો મૃત્યુદંડ થયો છે. આ ઘટના માત્ર પ્રદૂષણનો કિસ્સો નથી, પણ તંત્રની બેદરકારી અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યેની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે.
લાંબા સમયથી ચાલતી આ બેદરકારી પર મીડિયાના અહેવાલોએ પ્રકાશ પાડ્યો અને પરિણામે ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું છે. અહેવાલો પ્રસિદ્ધ થતાં જ GPCB અને મત્સ્ય વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. GPCB દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને મત્સ્ય વિભાગે મૃત્યુ પામેલા જળચર જીવોના નમૂના લઈ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે જ્યારે તંત્રને મીડિયાના દબાણનો સામનો કરવો પડે છે, ત્યારે જ તે પોતાની જવાબદારી નિભાવવા માટે આગળ આવે છે. આ ઝેરી પાણી માત્ર ખાડી પૂરતું સીમિત નથી રહ્યું. તે આસપાસના કોઠીયા ગામના ખેતરોમાં પ્રવેશી ગયું છે, જેનાથી ખેડૂતોની આજીવિકા પર સીધો ખતરો ઊભો થયો છે. ખેડૂતોના મનમાં ભય છે કે આ કેમિકલ તેમના ખેતરોની ફળદ્રુપતાને કાયમી ધોરણે નષ્ટ કરી નાખશે. આ ઘટનાએ ખેતી અને ખેડૂતોના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. ભૂખી ખાડી, જે એક સમયે જીવંત હતી, આજે મૃત્યુની નદી બની ગઈ છે. આટલા મોટા પાયે પ્રદૂષણ થવા છતાં તંત્ર પહેલાં કેમ સક્રિય ન થયું, તે એક ગંભીર સવાલ છે. શું પર્યાવરણના કાયદાઓ માત્ર કાગળ પર જ લખાયેલા છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી કોઈની નથી? આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે તંત્ર જાણે કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વર્તી રહ્યું છે.
હવે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તે માત્ર દેખાડો ન બને અને તંત્ર ખરા અર્થમાં ઈમાનદારીપૂર્વક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. આ ઘટના પર્યાવરણ અને માનવજીવન બંને માટે એક ગંભીર ચેતવણી છે. તંત્રએ ફક્ત નમૂના લેવા અને અહેવાલો તૈયાર કરવા પૂરતું સીમિત ન રહેતા, જવાબદાર ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવા જોઈએ. જો કાયદાનો કોરડો ઝીંકીને આવા બેદરકાર તત્વોને સજા નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. આ સમગ્ર મામલામાં તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવા કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો જવાબદાર ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ ખેડૂતો અને અસરગ્રસ્ત નાગરિકો સાથે મળીને જનઆંદોલન છેડશે. આંદોલનકારીઓએ કંપનીઓને તાળાબંધી કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ ઘટના માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નથી, પરંતુ કાયદાના પાલન અને તંત્રની જવાબદારીનો પણ પ્રશ્ન છે. જો તંત્ર તાત્કાલિક અને નક્કર પગલાં નહીં ભરે તો, આ શાંત વાતાવરણમાં મોટો વિસ્ફોટ થવાના એંધાણ છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


