વાગરા તાલુકાના સુવા ગામના એક યુવાને દહેજ પોલીસ સ્ટેશનના PSI સહિત અન્ય પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ થવા પામી છે. યુવાનનો આરોપ છે કે, જ્યારે તે ગામના ગૌચરણની જમીનમાં બનેલા ગેરકાયદેસર રસ્તાનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને ગાળો આપી અને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. અને હાલ તે વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચા સાથે તપાસનો વિષય બન્યો છે. સમગ્ર ઘટના અંગે વિગતે જોઈએ તો ફરિયાદી રાહુલભાઈ પ્રભાતભાઈ ગોહિલ જેઓ ઓપાલ કંપનીમાં કામ કરે છે. તેમણે કરેલ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું, કે ગત તારીખ ૨૬/૦૮/૨૦૨૫ ના રોજ બપોરે તેઓ ગામની ગૌશાળાની ગાયો ચરાવવા માટે ગૌચરણમાં ગયા હતા. ત્યાં દહેજ પોલીસની ગાડી આવેલી હતી. પોલીસે ત્યાં હાજર રાહુલભાઈને પૂછપરછ કરી હતી. તે દરમિયાન PSI મોદીભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે રાહુલભાઈને ગાળો આપી, તમાચા માર્યા, અને પીઠ પર મુક્કા માર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સિવાય દહેજ પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓએ પણ તેમને લાતો મારી હોવાનો આક્ષેપ કરાયો છે.
પોલીસ પર કાયદાના ભંગનો આરોપ : રાહુલભાઈએ વધુમાં જણાવ્યું હતું, કે જ્યારે તેમણે પોલીસને ગૌચરણની જમીન હોવાનું અને હાઇકોર્ટનો આદેશ હોવાનું કહ્યું, ત્યારે પોલીસે વધુ ઉશ્કેરાઈને અપશબ્દો બોલવાનું ચાલુ રાખ્યું હતું. થોડીવાર બાદ ગામના ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ જેસંગભાઈ ગોહિલ ત્યાં પહોંચ્યા હતા. તેમણે પોલીસને વાગરા સિવિલ કોર્ટના સ્ટે-ઓર્ડરની કોપી મોકલી હોવા છતાં તેનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના બાદ પોલીસ રાહુલભાઈને છોડીને જતી રહી હતી. રાહુલભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું, કે આરોપી પોલીસ કર્મીઓએ કાયદાનું પાલન કરાવવાને બદલે ખુદ કાયદાનો ભંગ કર્યો છે. તેમણે પોતાની ફરિયાદ સાથે ઘટનાના બે વીડિયો પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે. જેમાં પોલીસ તેમને માર મારતા અને ગાળો બોલતા જોઈ અને સાંભળી શકાય છે. રાહુલભાઈએ માંગણી કરી છે, કે આરોપી પોલીસ કર્મીઓ વિરુદ્ધ FIR નોંધીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાથી પોલીસની દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જેનાથી ભરૂચ પોલીસની છબી ખરડાઈ હોવાની ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે.
પોલીસની પ્રતિષ્ઠા અને લોકવિશ્વાસનું પુનઃસ્થાપન, ભરૂચ પોલીસ માટે લોકમાંગ : એક તરફ ભરૂચ પોલીસ તેની સારી કામગીરી માટે નામના મેળવી રહી છે. ત્યારે અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થતા અયોગ્ય વર્તનને કારણે તેની શાખને દાગ ન લાગે તે માટે યોગ્ય પગલાં લેવા અત્યંત જરૂરી છે. તાજેતરની આ ઘટનાએ પોલીસની સત્તાના દુરુપયોગ અને દાદાગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ સંજોગોમાં પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવા માટે વાયરલ થયેલા વીડિયો અને ફરિયાદની તટસ્થ તપાસ થવી જોઈએ. જો તપાસમાં પોલીસ કર્મીઓ કસૂરવાર સાબિત થાય તો તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની કડક અને પારદર્શક કાર્યવાહીથી જ પોલીસની છબી સુધરશે અને પ્રજાના હૃદયમાં ભરૂચ પોલીસ માટેનો વિશ્વાસ કાયમ રહેશે. આ માત્ર એક લોકમાંગ નથી પરંતુ સમાજમાં કાયદાનું શાસન અને ન્યાય વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ અનિવાર્ય છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


