ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર હૃદય આધારિત સ્વ-નેતૃત્વ (Heart-Based Self Leadership) માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચરિત્ર નિર્માણ, આંતરિક શક્તિનો વિકાસ તથા સ્વ-નેતૃત્વની ક્ષમતા વિકસાવવા હતો. હૃદય આધારિત અભિગમ દ્વારા જીવનમાં સકારાત્મકતા, સમતોલન તથા આત્મવિશ્વાસ વિકસે તેવા આશય સાથે પ્રથમ તબક્કાના ત્રણ તાલીમ સત્રો યોજાયા. આ સત્રો હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા સંચાલિત થયા.
શેઠ શ્રી પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ – વડાલી, સંત શ્રી રામજીબાપા કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલય – ખેડબ્રહ્મા, શેઠ એન.એલ. હાઈસ્કૂલ-લક્ષ્મીપુરા,ખેડબ્રહ્મા, શેઠ સી.કે.સરસ્વતી મંદિર-ઈડર તથા હિંમત હાઈસ્કૂલ – હિંમતનગર એમ પાંચ શાળાના વિદ્યાર્થીઓએ આ તાલીમમાં સક્રિય ભાગ લીધો હતો. કુલ મળી આશરે 800થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમથી લાભ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ તાલીમને પ્રેરણાદાયી ગણાવીને પોતાના અભ્યાસ ઉપરાંત જીવન મૂલ્યોમાં પણ તેને ઉપયોગી ગણાવ્યો હતો.
શેઠ શ્રી પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ – વડાલીના પ્રિન્સિપાલશ્રી દક્ષાબેન પટેલના જણાવ્યા અનુસાર “અમારી શાળામાં હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા મેડિટેશન(ધ્યાન) અને કોન્સન્ટ્રેશન (એકાગ્રતા)નો કાર્યક્રમ યોજાયો. જેમાં ધોરણ 10 થી 12ની તમામ દીકરીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આવા કાર્યક્રમો દ્વારા દીકરીઓની ચંચળતા ઓછી થતા વર્ગખંડમાં એકાગ્રતા જોવા મળી. અમારી શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે. આ સેશન થકી દીકરીઓ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષામાં વધુ ગુણ પ્રાપ્ત કરતી જણાઈ છે. શરૂઆતમાં જે ટોપિકની ચર્ચા થતી એમાં વર્ગની 30% દીકરીઓ જ એકાગ્રતા કેળવી શકતી હતી. જે ધ્યાન અને મોટિવેશન સ્ટોરી દ્વારા 60% સુધી લઈ જવામાં સફળતા મળી છે. જે સરાહનીય બાબત છે. જે બદલ હાર્ટફૂલનેસ સંસ્થાના આયોજકોને આચાર્ય તથા શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.”
આ આયોજનને સફળ બનાવવા હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ તથા નરસિંહભાઈ દેસાઈ સેન્ટર ફોર કરિયર ડેવલપમેન્ટ જેવી સંસ્થાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.


