મદ્રાસ હાઈકોર્ટે રજનીકાન્તની ફિલ્મ ‘કુલી’ને એયુ સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. ફિલ્મમાં હિંસાના બહુ દ્રશ્યો હોવાથી સેન્સર બોર્ડે તેને એડલ્ટ ઓન્લી સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મ ગત ૧૪મી ઓગસ્ટે રીલિઝ થઈ ચૂકી છે પરંતુ ફિલ્મનાં સેન્સર સર્ટિફિકેટ મુદ્દે વિવાદ હજુ યથાવત છે. ફિલ્મ મેકર્સ દ્વારા ફિલ્મને એયુ સર્ટિફિકેટ અપાય તે માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે સેન્સર બોર્ડે સૂચવ્યા પ્રમાણે હિંસાના કેટલાય સીન તેમણે કાપી નાખ્યા છે અને કેટલાક શબ્દ પ્રયોગો પણ દૂર કરી દીધા છે. કેટલાક ફાઈટ સીન ફિલ્મની વાર્તા પ્રમાણે અનિવાર્ય હોવાથી તે યથાવત રખાયા છે.
જોકે, સેન્સર બોર્ડ દ્વારા સામી દલીલ કરાઈ હતી કે આ ફિલ્મમાં હિંસાનાં દ્રશ્યો બાળ માનસ માટે સાનુકૂળ નથી. આથી જ ફિલ્મને એડલ્ટ ઓન્લી સર્ટિફિકેટ અપાયું છે.
બોર્ડે કહ્યું હતું કે ફિલ્મ નિર્માતાઓએ જ અગાઉ એ સર્ટિફિકેટ અપાય તે સ્વીકારી લીધું છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નિર્માતાઓની અરજી ફગાવી દીધી હતી. ફિલ્મના ચાહકોએ હવે ફિલ્મનાં અનસેન્સર્ડ વર્ઝનને જોવા માટે તેની ઓટીટી રીલિઝની રાહ જોવી પડશે.


