વેપાર અને ટેરિફ મુદ્દે પ્રમુખ ટ્મર્પની આકરી નીતિઓના પગલે ભારત અને અમેરિકાના સંબંધોમાં આવેલી કડવાશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી શનિવારે ચીન પહોંચ્યા હતા. એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન શહેર પહોંચેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર લાલ જાજમ બીછાવી સ્વાગત કરાયું હતું. તેઓ એસસીઓ બેઠક સાથે રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ પહેલા પીએમ મોદીએ જાપાન પ્રવાસના બીજા દિવસે પીએમ શિગેરુ ઈશિગા સાથે બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરતા સેન્ડાઈ શહેર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી ચીન સાથે તણાવપૂર્ણ સંબંધો છેલ્લા કેટલાક સમયમાં હળવા થયા છે. બીજીબાજુ અમેરિકા સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર મંત્રણામાં ભાગ લેવા ઉત્તરી ચીનના તિઆનજિન શહેર પહોંચ્યા છે. આ બેઠકની સાથે તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરશે. આ પહેલા પીએમ મોદી અને શીન જિનપિંગ વચ્ચે ૨૦૨૪માં રશિયાના કઝાન તથા ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં મુલાકાત થઈ હતી.
તિઆનજિનમાં પીએમ મોદી અને પ્રમુખ જિનપિંગની મુલાકાત રવિવારે થશે. સમગ્ર વિશ્વના અર્થતંત્રો અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફની દાદાગીરીનો સામનો કરી રહ્યા છે ત્યારે પીએમ મોદી અને જિનપિંગની બેઠક પર આખી દુનિયાની નજર છે. આ બેઠકમાં મોદી અને જિનપિંગ ભારત-ચીનના આર્થિક સંબંધોની સમિક્ષા અને પૂર્વીય લદ્દાખ સરહદના તણાવને ઓછો કરી બંને દેશોના સંબંધોને સામાન્ય કરવા પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
એસસીઓ બેઠકની સાથે પીએમ મોદી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન તથા અન્ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે તેમ માનવામાં આવે છે. તિઆનજિન પહોંચતા પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે, વિશ્વના આર્થિક ઓર્ડરને સ્થિર કરવા માટે ભારત અને ચીન સાથે મળીને કામ કરે તે જરૂરી છે. તિઆનજિનમાં ૩૧ ઑગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની વાર્ષિક શિખર મંત્રણા યોજાશે.
તિઆનજિન શહેરમાં પીએમ મોદીનું વિમાન લેન્ડ થતા લાલ જાજમ બીછાવી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ચીન પહોંચતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં વિવિધ દેશોના નેતાઓ સાથે સઘન ચર્ચા અને બેઠકોની પ્રતીક્ષામાં ચીનના તિઆનજિનમાં પહોંચ્યો.
ચીન પહોંચતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે જાપાનમાં પીએમ શિગેરુ ઈશિબા સાથે શિન્કાશિન કંપનીની બુલેટ ટ્રેનમાં સેન્ડાઈનો પ્રવાસ કર્યો હતો. આ સાથે તેમણે જાપાનમાં બુલેટ ટ્રેનના સંચાલનની તાલિમ લઈ રહેલા ભારતીય ડ્રાઈવરો સાથે પણ મુલાકાત કરી હતી. બુલેટ ટ્રેનશી સેન્ડાઈ શહેર પહોંચ્યા પછી પીએમ મોદી અને પીએમ ઇશિબાએ સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી.


