GUJARAT : પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા

0
55
meetarticle

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શનિવારે (30મી ઓગસ્ટ) મોડી રાતે ધમાકેદાર વરસાદ શરૂ થતા ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, રસ્તા પર બે ફૂટ કરતા પણ વધારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખોજલવાસા ગામમાં ધમાકેદાર વરસાદ વરસતા એક કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. તો શહેરામાં વરસાદી માહોલ વચ્ચે પણ ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શહેરામાં એક કાચું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત 

પંચમહાલ જિલ્લામા શહેરાના ખોજલવાસા ગામમાં મોડી રાતે ધમાકેદાર વરસાદ વરસતા એક કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. રાત્રી દરમિયાન 42 વષીય કૈલાશબેન બારીયા મકાનમાં સુઈ રહી હતી. આ દરમિયાન ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા સરપંચ તલાટી સહિતનાઓને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,મહિલાના પતિ અંબાજી પદયાત્રા ગયા હોવાથી મહિલા એકલી સુઈ રહી હતી.

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા 2 - image

વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવના પંડાલમાં ડાયરાની મોજ

મળતી માહિતી અનુસાર, ડગબર સમાજ દ્વારા ગણેશ મહોત્સવ પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. જો કે, વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવના પંડાલમાં ડગબર સમાજના લોકોએ ડાયરાની મોજ માડી હતી.

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા 3 - image

પંચમહાલના તમામ જળાશયો થયા છલોછલ

પંચમહાલ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે પંચમહાલના તમામ જળાશયો છલોછલ થયા છે. મોરવા હડફ તાલુકાના હડફ ડેમના તમામ દરવાજા ખોલાયા હતા. ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું હતું અને નદી કિનારાના ગામે સાવચેત કરાયા હતા. હાલ ડેમનું લેવલ 165.90 મીટર, જ્યારે ડેમનું રૂલ લેવલ 166.11 મીટર રાખવામાં આવ્યું છે.

રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28મી ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here