ક્રિતી સેનનની ફિલ્મ ‘દો પત્તી’નું ગીત ‘રાંઝણ’ ઓરિજિનલ નથી પરંતુ તેની ધૂન ઉઠાવવામાં આવી હોવાનો આરોપ થયો છે. એક આંતરરાષ્ટ્રીય મ્યુઝિક પ્રોડયૂસર કેએમકેઝેડ દ્વારા દાવો કરાયો છે કે આ ગીત ઓરિજિનલી તેમનું છે. ફિલ્મમાં આ ગીત માટે સંગીતકાર તરીકે સચેત-પરંપરાને ક્રેડિટ અપાઈ છે.
તેમણે એક વિડીયો શેર કરીને દાવો કર્યો હતો કે તેમનાં એક ગીતની ધૂનની બેઠી ઉઠાંતરી કરાઈ છે. તેમને કોઈ પ્રકારે ક્રેડિટ પણ અપાઈ નથી. તેમણે આ વિડીયોમાં કહ્યુ ંહતું કે અમે ભારતનું એક બહુ જ હિટ ગીત પ્રોડયૂસ કર્યું છે પરંતુ અમને તેના વિશે ખબર પણ નથી. હું એક મ્યુઝિક પ્રોડયૂસર છું. મારી ધૂન ઓનલાઈન વેચું છું. આ ધૂન અમે આશરે બે વર્ષ પહેલાં પોસ્ટ કરી હતી. થોડા સમય પહેલાં કોઈએ મારું આ ગીત વિશે ધ્યાન દોર્યું હતું. ત્યારે ખબર પડી હતી કે અમારાં ગીતની ચોરી કરી તેને ફિલ્મમાં વાપરવામાં આવ્યું છે.
હવે આ ગીતને વિવિધ મ્યુઝિક તથા વિડીયો પ્લેટફોર્મ પર કરોડા હિટ્સ મળે છે. આ સંજોગોમાં અમને યોગ્ય ક્રેડિટ મળવી જોઈએ તેમ આ પ્રોડયૂસરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ગીતને યુ ટયૂબ પર ૩૩ કરોડ વ્યૂ મળ્યા છે.



