
એઆઈ સાયન્ટિસ્ટ ઋષભ અગ્રવાલ પાંચ મહિના પહેલાં જ ૧૦ લાખ ડોલર (અંદાજે રૂ. ૮.૮ કરોડ)ના સેલેરી પેકજથી મેટા સુપરઈન્ટેલિજન્સ લેબમાં જોડાયા હતા. પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે. ઋષભ અગ્રવાલે તેમના રાજીનામાની જાહેરાત કરતા લખ્યું કે, તેઓ એક નવા પ્રકારના જોખમને એક્સપ્લોર કરવા માટે નીકળ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, મેટા, ગૂગલ બ્રેન અને ડીપમાઈન્ડમાં કામ કર્યા પછી તેઓ હવે એક નવા પડકારનો સામનો કરવા માગે છે. મારા માટે ઓલ્ટમેટામાં આ અંતિમ સપ્તાહ છે. સુપર ઈન્ટેલિજન્સ લેબમાં કામ નહીં કરવાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો. ગૂગલ બ્રેન, ડીપમાઈન્ડ અને મેટામાં ૭.૫ વર્ષ સુધી કામ કર્યા પછી મને લાગે છે કે હવે નવું જોખમ લેવાનો સમય આવી ગયો છે.
માત્ર ઋષભ અગ્રવાલ એક જ નથી જેમણે મેટા સુપરઈન્ટેલિજન્સ લેબમાંથી રાજીનામું આપ્યું છે. કેટલાક અહેવાલ મુજબ માર્ક ઝુકરબર્ગના આ ડ્રીમ પ્રોજેક્ટથી અત્યાર સુધીમાં ત્રણ સંશોધકો અલગ થઈ ગયા છે. તેમાંથી બે પહેલા જ ઓપનએઆઈમાં પાછા ફરી ગયા છે. ઋષભ પહેલા અવિ વર્મા અને એથન નાઈટ મેટાથી અલગ થઈ ચૂક્યા છે.
મેટા સુપરઈન્ટેલિજન્સ લેબમાં જોડાતા પહેલા ઋષભ અગ્રવાલે અનેક મોટી કંપનીઓમાં કામ કર્યું હતું. આઈઆઈટી-બોમ્બેમાંથી ગ્રેજ્યુએશન પછી તેમણે મિલા-ક્યુબેક એઆઈ ઈન્સ્ટિટયૂટમાંથી ડૉક્ટરેટ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં તેમણે સાવન, ટાવર રિસર્ચ કેપિટલ, વાયમોમાં ઈન્ટર્નશિપ કરી. ત્યાર પછી ૨૦૧૮માં ગૂગલ બ્રેનમાં સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોડાયા. ત્યાંથી તેમને ગૂગલ ડીપમાઈન્ડમાં મોકલી દેવાયા હતા. ઋષભ અગ્રવાલ એપ્રિલ ૨૦૨૫માં મેટામાં જોડાયા હતા.

