ઝઘડિયા જીઆઈડીસી પોલીસે તાજેતરમાં જીઆઈડીસી વિસ્તારમાં નોકરી પરથી પરત ફરી રહેલા બે કામદારોના મોબાઇલની લૂંટ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગત તા. ૨૪મીના રોજ રાત્રે ૮ વાગ્યાના અરસામાં, અનુપમ રસાયણ કંપનીમાં નોકરી કરતા અને દધેડા ગામે રહેતા મનોજકુમાર વિશ્વકર્મા નોકરી પરથી પરત ફરતી વખતે દધેડા સ્મશાન ચોકડી નજીક હતા, ત્યારે બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઈસમોએ તેમને રોકીને ગળા પર પંચ મારી ધમકી આપીને તેમનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. આ ઉપરાંત, રાત્રે ૮:૩૦ વાગ્યાના સુમારે દધેડા ગામના રાશેદ રસીદ ખાનનો મોબાઇલ પણ આ જ ઈસમોએ લૂંટી લીધો હતો.
આ ઘટના અંગે મનોજકુમાર વિશ્વકર્માએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, પોલીસની ટીમે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી અને તેના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં (૧) રાહુલકુમાર સુખદેવભાઈ વસાવા (૨) વિકાસકુમાર મહેશભાઈ વસાવા (૩) આશિષકુમાર અમીતભાઇ વસાવા અને (૪) જેક્ષનકુમાર કંચનભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા બે મોબાઇલ અને બે મોટરસાયકલ સહિત કુલ ₹૧,૫૨,૪૯૯નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


