GUJARAT : ‘આદિ કર્મયોગી અભિયાન’ એ દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન :આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

0
105
meetarticle

આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગાંધીનગરથી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે.” આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમ, મંત્રીશ્રીએ કહ્યું હતું.

ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે. આ અભિયાન વડાપ્રધાનશ્રીના દુરંદેશી નેતૃત્વનું પરિણામ છે. PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે. આ અભિયાનમાં ભારત દેશના ૦૧ લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે તેમ, મંત્રી શ્રી ડિંડોરે ઉમેર્યું હતું.

અભિયાનના મુખ્ય હેતુઓ
• પ્રતિભાવશીલ, પારદર્શક અને જવાબદાર શાસનને પ્રોત્સાહન આપવું.
• નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બનાવવું.
• સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવી.
• રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવું.
• વિકસિત ભારત@2047 માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવા.
• વસવાટ (habitation) થી રાજ્ય સુધી બહુસ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવું.
• કન્વર્ઝન્સ દ્વારા છેલ્લા માઈલ ડીલેવરી સુનિશ્ચિત કરવી (PM-JANMAN, Dharti Aaba Abhiyan, Sickle Cell Mission, EMRS, scholarships)
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાનને PM-JANMAN, DA-JGUA, રાષ્ટ્રીય સિકલ સેલ નાબૂદી અભિયાન, EMRS વિસ્તરણ અને શિષ્યવૃત્તિ વગેરે યોજનાઓનું એકીકરણ કરી રાષ્ટ્રીય મિશન સાથે સુમેળ સાધવાનો છે. આ અભિયાનમાં આદિજાતિ વિકાસ વિભાગ સાથે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટોને પણ સાંકળવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, તેમજ ડ્રીન્કિંગ વોટર અને સેનિટેશન વિભાગનો સમાવેશ થાય છે.

મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ૦૩ કેડરની કેટેગરી પાડવામાં આવી છે, જેમાં (1) આદી કર્મયોગી, (2) આદિ સહયોગી અને (3) આદિ સાથીનો સમાવેશ થાય છે. જેમાં (1) આદિ કર્મયોગીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ, (2) આદિ સહયોગીમાં યુવા નેતાઓ, શિક્ષકો, ડોક્ટરો, સમાજ કાર્યકરો અને (3) આદિ સાથીમાં આદિવાસી નેતા, આદિવાસી વૈદુ ભગતો, SHGsના સભ્યો, આંગણવાડી કાર્યકર, વોલેન્ટિયર વગેરેને અનુક્રમે રાજ્ય, જિલ્લા અને તાલુકો સ્તરે તાલીમ આપીને આદિવાસી લોકોમાં ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકસાવવાનો છે.

તેમણે કહ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગ અને લાઈન ડિપાર્ટમેન્ટના કુલ – ૦૮ અધિકારીશ્રીઓએ મહારાષ્ટ્રના પૂણે ખાતે ઉપસ્થિત રહીને આદિ કર્મયોગી અભિયાન-રિજ્યોનલ પ્રોસેસ લેબ અંતર્ગત આદિ કર્મયોગી અંગેની સ્ટેટ માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ મેળવી હતી. ગત તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સ્વર્ણિમ સંકુલ, નવા સચિવાલય ખાતે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત એક દિવસનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં આદિજાતિ વિકાસ વિભાગના અને લાઇન ડિપાર્ટમેન્ટના કુલ-૭૦ થી વધુ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૨૫ થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન નારાયણી હાઈટ્સ હોટેલ, ભાટ, ગાંધીનગર ખાતે આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૫ જિલ્લાના ૧૦૪ થી વધુ અધિકારીઓને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ આપવામાં આવી હતી. આદિજાતિઓની વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત એક દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજાઈ ગયા છે તેમજ સપ્ટેમ્બર-૨૦૨૫ માસના પ્રથમ અઠવાડિયામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડીસ્ટ્રીકટ પ્રોસેસ લેબ અંતર્ગત તાલુકામાંથી આવેલા અધિકારીશ્રીઓને બ્લોક માસ્ટર ટ્રેનરની તાલીમ આપવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ આદિ કર્મયોગીથી આદિ સહયોગી અને આદિ સહયોગીથી આદિ સાથી સુધી પહોંચવાનો છે. આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા પછાત અને ગરીબ લોકોને સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તે માટે ગ્રામ્ય કક્ષાએ વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એકશન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે, આ આયોજન નીચેથી ઉપર જશે. ગ્રામીણ કક્ષાએ એક આદિ સેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવશે અને સ્થાનિક આદિવાસી લોકોની જરૂરિયાતો અને પ્રશ્નો સમજવામાં આવશે અને તેના ઉકેલો પણ સ્થાનિક કક્ષાએથી મળે તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભારતમાં અને ગુજરાતમાં “સવિશેષ ગ્રામસભા” યોજાનાર છે. આ વિશેષ ગ્રામસભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આપણે સૌએ સાથે મળીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવાનું છે. આપણને એક અવસર મળ્યો છે કે આપણે સૌ સાચા આદિ કર્મયોગી, આદિ સહયોગી અને આદિ સાથી બનીએ અને આદિજાતિના જે કુટુંબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમને સમયસર અને યોગ્ય લાભ પહોંચાડવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

REPOTER : જનક દેસાઈ/ ઋચા રાવલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here