અમેરિકાએ ભારતની વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે, એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાની વસ્તુઓ પર ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે, જોકે આ પ્રસ્તાવ રજુ કરવામાં ભારતે બહુ મોડું કરી નાખ્યું છે. આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વિસ્તૃત પોસ્ટ કરી હતી અને દાવો કર્યો હતો કે બન્ને દેશો વચ્ચેના વેપારમાં વધુ નફો ભારતને થઇ રહ્યો છે.
ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ લખી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બહુ જ ઓછા લોકો સમજે છે કે અમેરિકા ભારતની સાથે બહુ જ ઓછો નફો મેળવે છે જ્યારે ભારત બહુ જ મોટો વેપાર કરી વધુ નફો મેળવે છે, બીજા શબ્દોમાં કહું તો ભારત અમેરિકાને બહુ જ મોટો સામાન વેચે છે, આપણે (અમેરિકા) ભારતના સૌથી મોટા ગ્રાહક છીએ, બીજી તરફ અમેરિકા ભારતને બહુ જ ઓછો સામાન વેચે છે, અત્યાર સુધી માત્ર એક તરફી સંબંધ ચાલી રહ્યા હતા અને દસકાઓ સુધી આવુ ચાલ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયન પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે, ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી બહુ જ મોટા જથ્થામાં ક્રૂડ ઓઇલ અને હથિયારોની ખરીદી કરે છે જ્યારે અમેરિકાની પાસેથી બહુ જ ઓછી ખરીદી કરે છે. હવે ભારતે અમેરિકાની સમક્ષ ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ મુક્યો છે. જોકે બહુ જ મોડુ થઇ ગયું છે, ભારતે આ પગલુ વર્ષો પહેલા ભરવાની જરૂર હતી.


