નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોટા મોટા પાર્ટી પ્લોટની સાથે સાથે શેરી ગરબા અને સોસાયટીઓમાં પણ નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન જૂનાગઢના મહંત તથા શ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ વિધર્મીઓને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘નવરાત્રિમાં દાંડિયા ઓછા રમજો, પરંતુ દાંડિયારાસમાં રમતી બહેનો અને દીકરીઓ વિધર્મીઓથી કેવી રીતે સુરક્ષિત રહે તે સૌથી મોટું મહત્ત્વ છે.’
‘ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને પ્રવેશ કરી શકે છે’
રાજકોટમાં આયોજિત ગણપતિ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન નવરાત્રિ મેદાનમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુએ માંગ કરી છે. તેમણે દાવો કરતા કહ્યું કે, ‘નવરાત્રિના ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને, હાથ પર ટેટુ બનાવીને અને નકલી આધારકાર્ડ સાથે પ્રવેશ કરી શકે છે. આવા તત્ત્વો ગરબાના પવિત્ર માહોલને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. વિધર્મીઓનો નવરાત્રિના મેદાનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ.’
દીકરીની રક્ષા અંગે ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, ‘પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા હતા હવે ખાલી ધ્યાન તો રાખજો માથા દેવાની જરૂર નથી. અને જરૂર પડે તો દઈ પણ દેવાય કોઈ વાંધો નથી. દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય કોઈ વાંધો નહીં. પરંતુ નવરાત્રિની અંદર હું તમને પ્રણામ કરીને કહુ છું દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ દાંડિયા રમતી વખતે કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો.’
ઉલ્લેખનીય છે કે,જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુના નિવેદને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેનાથી સામાજિક સંવાદિતા અને તહેવારની સલામતીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.


