કવાંટ તાલુકાના પાનવડ ગામ નજીક આવેલો વર્ષો જૂનો નાનો પુલ આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાના આસપાસ અચાનક ધરાશાયી થયો હતો. ઘામળી નદી ઉપર આવેલા આ નાના પુલનો એક સાઈડનો મોટો ભાગ ધરાશાયી થવાથી ગ્રામજનો અને વાહનચાલકોમાં હડકંપ મચી ગયો હતો.
સદભાગ્યે પુલ ધરાશાયી થતી વખતે કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા તાત્કાલિક વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે અને સ્થળ પર તપાસ હાથ ધરાઈ છે.
ગ્રામજનોએ વર્ષો જૂના આ પુલના મરામત અંગે અનેકવાર રજૂઆતો કરી હતી છતાં કોઈ પગલા ન લેવાતા આજે આ સ્થિતિ સર્જાઈ છે.
આ ઘટનાને પગલે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો પુલ ધરાશાયી થતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેત?
છોટાઉદેપુર જિલ્લાના અનેક બ્રિજ, નાના પુલો, કોઝવે તેમજ રોડ રસ્તાઓ ખૂબ જ જર્જરીત હાલતમાં છે. સ્થાનિક લોકોની લાંબા સમયથી માંગ છે કે તંત્ર વહેલી તકે આવા પુલો, ડાયવર્ઝન અને માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરે અને ગોર નિંદ્રામાંથી જાગે.
રિપોર્ટર : ઈરફાન મકરાણી કદવાલ




