ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના શણકોઈ ગામની દિવ્યાંગ બાળકી માનસી કમલેશભાઈ વસાવાએ પેરા એથ્લેટિક્સમાં અસાધારણ સિદ્ધિ મેળવી છે. ગ્વાલિયર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં તેણે ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંક જેવી ત્રણ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
જન્મથી પગમાં ખામી હોવા છતાં, માનસીની રમતગમત પ્રત્યેની ધગશ અને પ્રતિભાને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, શણકોઈના સી.પી.એડ શિક્ષિકા જયાબેને ઓળખી હતી. તેમના માર્ગદર્શન હેઠળ, માનસીએ સખત તાલીમ લીધી અને અનેક સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો. રાજ્ય કક્ષાએ પણ ગોળાફેંક અને ચક્રફેંકમાં વિજેતા બન્યા બાદ, નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ લઈ તેણે રાષ્ટ્રીય સ્તરે આ ઐતિહાસિક દેખાવ કર્યો છે.
આદિવાસી પરિવારમાંથી આવતી માનસીની આ સિદ્ધિ અન્ય દિવ્યાંગ ખેલાડીઓ અને ગુજરાતની દીકરીઓ માટે પ્રેરણાદાયક છે. જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને વિદ્યાલય પરિવારે તેની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.


