ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં ગેટ પર નામ લખવા જેવી નાની બાબત પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલો વકર્યો કે મામલો મારામારી અને તોડફોડ સુધી પહોંચ્યો, જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને રાયોટિંગ જેવો ગંભીર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશ અને હિંદુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાંસિયાએ સોસાયટીના નવા ગેટ પર ‘વાંસિયા પરિવાર’ એવું લખ્યું હતું. આ લખાણથી સોસાયટીના અન્ય સભ્યોમાં નારાજગી ફેલાઈ હતી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે એક મીટિંગ પણ બોલાવવામાં આવી હતી.
જોકે, આ બાબતની રીસ રાખીને પ્રયાગરાજસિંહ વાંસિયા તેમના સાથીદારો સાથે સોસાયટીના અન્ય એક રહીશ, નીરલીપ શાહના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ધમાલ મચાવી હતી. ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીઓ દ્વારા ગાળાગાળી, ધક્કામુક્કી અને તોડફોડ કરવામાં આવી રહી છે.
નીરલીપ શાહે આ મામલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, આરોપીઓ તેમના ઘરનો ગેટ ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને સાયકલ ઉઠાવી તોડફોડ કરવાનો પ્રયાસ કરી હિંસા કરી હતી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હિંદુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાંસિયા અને તેમના સાથીદારો વિરુદ્ધ રાયોટિંગ (હુલ્લડ) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાએ સોસાયટીના માહોલમાં ભય અને તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


