ડાંગ જિલ્લામા પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાની ત્રિવેણી વહાવતા વાસુરણા ગામના તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે તાજેતરમા ત્રિ દિવસીય ‘ધનવંતરી આરોગ્ય શિબિર’ યોજાઈ ગઈ.
જેમા શિબિર સંયોજક શ્રી ઓમભાઇ નાકરાણી અને સુશ્રી ચિત્રાબેન ગોયાણીની આગેવાની હેઠળ ૧૫૦ જેટલા શિબિરાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. દરમિયાન બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી ના સાંનિધ્યે અહીં સતત ત્રણ ત્રણ દિવસો સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. પૂજ્ય હેતલ દીદીએ શિબિર દરમિયાન દરરોજ સવારે યોગાભ્યાસ, પ્રભાતિયા અને ભજનમા શિબિરાર્થીઓને રસ તરબોળ કરવા સાથે, સાંજે ધ્યાન અને સત્સંગની સરવાણી વહાવી હતી.
પ્રાકૃતિક ભોજન, ભજન, વન વિહાર સાથે ડૉ. ભારતીબેન બોરડના બાળગીતો, શ્રી ધ્રુવભાઈના તબલાના નાદ સહિત ગરબાની રમઝટ, શ્રી ગૌતમભાઈ સખીયા દ્વારા કરાવાયેલા યોગા, બાળકો અને વાલીઓ માટેના અભ્યાસ વર્ગો, શ્રી સૌરભભાઇ દ્વારા દિનચર્યા, અને ડૉ. સેજલ દ્વારા દંત ધાવણનુ મહત્વ, સુશ્રી મમતાબેન સંઘવી દ્વારા કોસ્મેટિક અને પેકેટ ફૂડમાં રહેલા દુષણો જેવા વિષયે વિસ્તૃત જાણકારી પૂરી પાડવા સાથે શ્રી પ્રવિણભાઇ સવસૈયા દ્વારા એક્યુપ્રેસર થેરેપીનો લાભ પણ શિબિરાર્થીઓને પૂરો પાડવામા આવ્યો હતો. સાથે બાળકો દ્વારા લાઠી પ્રદર્શન, અને શિબિરાર્થીઓએ સ્વયં પોતાની વિવિધ કળાઓ પ્રદર્શિત કરી હતી.

શિબિરમા પધારેલા તજજ્ઞો,સાધકો દ્વારા સર્વશ્રી ધનસુખભાઈ, રતનભાઇ, ગુલાબભાઈ, કાનજીભાઈ, તથા તેજસ્વીની સંસ્કૃતિ પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.
આ ત્રણ દિવસ દરમિયાન એમ.સી.વી.કે. (માનવ ચેતના વિકાસ કેન્દ્ર) ઈન્દોરનુ ગ્રુપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. ઉલ્લેખનીય છે કે એમ.સી.વી.કે. ખાતે કેટલાય કુટુંબ એક જ કેમ્પસમા રહે છે. જેઓ તેમના બાળકો એવી ભારતની ભાવિ પેઢીને સ્કૂલમા શિક્ષણ અર્થે મોકલતા નથી. અહીં બાળકોને પ્રકૃતિના સાનિધ્યમા જ જીવનલક્ષી શિક્ષણ આપવામા આવે છે. જેથી તેમની ઉત્પાદન ક્ષમતા પણ વધે છે, અને આજીવિકા પણ મળી રહે તેવો ઉદ્દેશ રહેલો છે. જેમની અહીંની હાજરીએ શિબિરાર્થીઓને જીવનની નવી દિશા તરફ વિચારવાનો અવસર પૂરો પાડ્યો હતો.

