આખરે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા વાગરા પર મહેરબાન થયા છે. આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આકરા ઉકળાટ અને અસહ્ય બફારાથી જનજીવન ત્રસ્ત હતુ. ત્યારે મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીએ સૌને હાશકારો આપ્યો છે. અતિશય તાપમાન બાદ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
થોડી જ વારમાં રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મુશ્કેલી છતાં સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વાગરાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના એહવાલ સાંપડી રહ્યા છે. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે. ગરમીથી બચવા લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા, ત્યારે વરસાદ પડતાં જ લોકો ઘરની બહાર નીકળી ઠંડી હવાનો આનંદ માણતા જોવા મળ્યા. બાળકો પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


