વાગરા નગરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનો હવે અંત આવશે. વાગરા પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં આડેધડ થતા વાહન પાર્કિંગને રોકવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે પોલીસે તાજેતરમાં વેપારીઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવેથી જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે.
વાગરાના પી.આઈ. એસ.ડી. ફુલતરિયાએ વેપારીઓને બેઠકમાં સંબોધતા જણાવ્યું હતું કે, “જો હવે વાગરા બજારમાં આડેધડ વાહન પાર્ક કર્યું તો ખેર નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બજારમાં લગાવેલ એન્ગલની બહાર જો કોઈ પણ વાહન પાર્ક કરેલું જણાશે, તો પોલીસ તાત્કાલિક લોક મારીને દંડ વસૂલ કરશે. આ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ભલામણ કે ઓળખાણ ચલાવી લેવામાં આવશે નહીં.

આડેધડ પાર્કિંગથી ટ્રાફિક અવરોધાય છે અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેની ગ્રામજનોએ ગ્રામસભામાં પણ રજૂઆત કરી હતી. આ મુદ્દાને ગંભીરતાથી લઈને પોલીસે વેપારીઓ અને દુકાનદારોને પોતાની દુકાન કે વ્યવસાયિક સંસ્થાની આગળ જાહેર રોડ પર કોઈ પણ વાહન પાર્ક ન થવા દેવાની સૂચના આપી છે. પોલીસના આ કડક વલણનો મુખ્ય ઉદ્દેશ્ય વાગરા બજારમાં વાહનવ્યવહારને સુગમ બનાવવાનો અને રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. પોલીસ દ્વારા તહેવારોના માહોલ વચ્ચે પણ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન પડે.
પોલીસની આ કડક કાર્યવાહીથી વાગરાના ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે અને નગરમાં શિસ્તબદ્ધ વાતાવરણ ઊભું થશે તેવી આશા સેવવામાં આવી રહી છે. આ નિયમોનું સફળતાપૂર્વક પાલન કરવા માટે વેપારીઓ અને નાગરિકોનો સહયોગ અત્યંત જરૂરી છે.

