ભરૂચ પાસે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાં આવેલા ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે. ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાનું જળસ્તર 22 ફૂટના વોર્નિંગ લેવલને વટાવી ગયું છે અને હાલ 23.38 ફૂટ પર વહી રહ્યું છે. નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, અને નદી આ સપાટીની અત્યંત નજીક પહોંચી ગઈ છે.
નદીનું જળસ્તર વધતા ભરૂચ શહેર અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને નદીમાં ન જવાની અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


