અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેના વહીવટીતંત્રએ જો કોર્ટના આદેશનો અમલ કરવામાં આવ્યો તો ભારત સહિત કેટલાય દેશો પર લાદવામાં આવેલો ટેરિફ ખતમ થશે અને ટેરિફ દ્વારા યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો નિષ્ફળ જશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત પર ટેરિફ તો શરૂઆત છે ભારત પર ટેરિફનો હજી બીજો અને ત્રીજો તબક્કો આવવાનો બાકી છે.
ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ સાતમી ઓગસ્ટથી અને રશિયન ઓઇલ ખરીદવા બદલ બીજો ૨૫ ટકા ટેરિફ ૨૭મી ઓગસ્ટથી અમલી બનાવ્યો હતો. આમ ભારત પર ટ્રમ્પે કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે અને રશિયન ઓઇલની ખરીદી ચાલુ રહી તો બીજો ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે.
ટ્રમ્પે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે ભારત દ્વારા રશિયાના ઉર્જા ઉત્પાદનોની ખરીદી તેના માટે યુક્રેન યુદ્ધ જારી રાખવા માટે ઓઇલ મની મેકિંગ મશીન બની ગઈ હતી. તેથી યુક્રેનમાં શાંતિ સ્થાપવા અને રશિયાને રોકવા માટે ભારત પર ટેરિફ લાદવા જરૂરી હતા.
ટ્રમ્પ તંત્રએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓએ ભારત સામે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ (આઇઇઇપીએ)નો ઉપયોગ કર્યો હતો. અમેરિકન પ્રમુખ અને તેમના સહયોગીઓ તે વાતને લઈને વિશ્વસ્ત છે કે ટેરિફના કારણે અમેરિકન અર્થતંત્રને સંરક્ષણ મળ્યું છે અને આ ટેરિફ અમેરિકાને સમૃદ્ધિ તરફ દોરી જશે અને ટેરિફ નહીં હોય તો અમેરિકાને જંગી નુકસાન થશે અને અમેરિકન અર્થતંત્રની પાસે કોઈપણ પ્રકારનું રક્ષણ નહીં હોય. અમેરિકન અર્થતંત્રને બચાવતી હોય તો તે એકમાત્ર ટેરિફ વોલ છે.
આ ઉપરાંત ટેરિફના લીધે જ અમેરિકા સાથે તેના છ મોટા ટ્રેડિંગ પાર્ટનર અને ૨૭ દેશોના યુરોપીયન બ્લોકે કરાર કર્યા છે. તેના કારણ અમેરિકામાં બે ટ્રિલિયન ડોલરનું રોકાણ અને આવક બંને આવવાના છે. આના લીધે અમેરિકન અર્થતંત્રને વેગ મળશે. ટેરિફના લીધે એકલા ઓગસ્ટ મહિનામાં જ અમેરિકન અર્થતંત્રને ૧૫૯ અબજ ડોલરની આવક થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં બમણી હતી. હવે જો ટેરિફ હટી જાય તો અમેરિકાએ કરેલા બધા કરારો ફોક જશે અને તેના ટ્રેડિંગ પાર્ટનરને વળતર આપવું પડશે. તેનું સૌથી મોટું નુકસાન અમેરિકાને જ જશે. હાલમાં તો ટ્રમ્પને ફેડરલ અપીલ્સ કોર્ટના ચુકાદા સામે ૧૪ ઓક્ટોબર સુધીમાં અપીલ કરવાની છૂટ મળી છે, જે તેણે કરી દીધી છે. તેની સાથે તેણે સુપ્રીમ કોર્ટ ટેરિફ લાદવાની તેની સત્તા અંગેની સુનાવણી ઝડપથી કરે તેવો ટ્રમ્પે આગ્રહ કર્યો છે. આમ થશે તો તે આગામી દિવસોમાં ટેરિફ અંગે નિર્ણાયક પગલાં લઈ શકશે નહીં તો આ દિશામાં કોઈ પગલાં નહીં લઈ શકાય.


