વિશ્વપ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. “વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” વિષય પર આધારિત આ પ્રદર્શનનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ પ્રદર્શન ખૂબ જ માહિતીસભર સાબિત થશે. ભારત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તથા 11 વર્ષના સુવર્ણકાળની સિદ્ધિઓ અંગે જાણકારી એક જ સ્થળે ઉપલબ્ધ થશે. તેમણે શ્રદ્ધાળુઓને આ પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી તેમજ કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલો, પોષણ માસ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતાઓનું સન્માન, સ્વચ્છતા અંગે નાટિકા, યોગ પ્રદર્શન તથા “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત સફાઈ અભિયાન યોજાયા હતા.
કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી શ્રી જે.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે તા. ૩ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન પ્રદર્શન અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, વિકસિત ભારત @2047, ડિજિટલ ઈન્ડિયા, ફીટ ઈન્ડિયા, યોગ ઉત્સવ તેમજ વિવિધ સ્પર્ધાઓ અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સાથે સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનમાં પ્રવેશ નિશુલ્ક રહેશે અને વધુમાં વધુ શ્રદ્ધાળુઓએ તેનો લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી અપીલ કરાઈ છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા


