વાગરા તાલુકાની સાયખા GIDC હવે કેમિકલ માફિયાઓનું જાણે ખુલ્લું આશ્રયસ્થાન બની ગઈ છે. વરસાદની ઋતુનો લાભ લઈ ઝેરી કેમિકલનો ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેણે માત્ર ખેતી જ નહીં, પણ સમગ્ર પર્યાવરણને ઝેર બનાવ્યું છે. આ ઝેરી પ્રદૂષણ એટલું વિનાશક છે કે લીલીછમ ખેતી પણ સૂકા ઘાસમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. નવીવસાહત ભેરસમના ખેડૂત બાશલિયા ભાઈ ડાવરની વેદના દર્શાવે છે કે, વહીવટી તંત્રનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ રહ્યું છે. તેઓ વારંવાર રજૂઆતો કરે છે. છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગપતિઓને કાયદાનો કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી. અને તેઓ છડેચોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આ ઘટનાની જાણ કરવામાં આવતા GPCBની ટીમ સ્થળ પર પહોંચી નમૂના લીધા અને કાર્યવાહીનો દેખાડો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ ખેડૂતો સારી રીતે જાણે છે કે આવી કાર્યવાહી ભૂતકાળમાં પણ અનેકવાર થઈ છે. છતાં પરિસ્થિતિ જરાય સુધરી નથી. આ માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઈમ્તિયાઝે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ કેમિકલ નિકાલ પાછળ બેજવાબદાર ઉદ્યોગપતિઓ જેટલા જવાબદાર છે, તેટલા જ ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે. આ લોકોનું મૌન અને સહયોગ જ કેમિકલ માફિયાઓ માટે પ્રેરકબળ બની રહ્યું છે. તેમની મિલીભગતને કારણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. આ ખેડૂતોની સમસ્યા દાયકાઓ જૂની છે. નર્મદા ડેમના કારણે વિસ્થાપિત થઈને અહીં વસેલા આ ખેડૂતોએ 8/7/2025ના રોજ પણ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. તેમણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને પ્રદૂષણથી બગડી રહેલી ખેતી અંગે જણાવ્યું હતું. આખરે ખેતી પર નિર્ભર હોવાથી તેમણે વૈકલ્પિક જમીનની માંગણી કરી હતી. પરંતુ તેમની આ વેદના સાંભળવા કોઈ તૈયાર નથી. આ દર્શાવે છે કે તંત્ર માત્ર પોતાની નિષ્ક્રિયતા જ નહીં પણ ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા પણ ખુલ્લી પાડી રહ્યું છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


