વસ્તી ઘટવાની સમસ્યાથી પરેશાન દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી વધારવાના હેતુથી 1.6 અબજ યુરો એટલે કે લગભગ 16,563 કરોડ રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી છે. રવિવારે આ નવી નીતિઓની જાહેરાત કરતા, વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે જણાવ્યું કે, ‘આ રાહત પેકેજ દેશની સૌથી મોટી સમસ્યા એટલે કે ઘટતી વસ્તીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં વધુ બાળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા ટેક્સમાં છૂટ અને અન્ય પગલાં સામેલ છે.’

ઝીરો ટેક્સ: વસ્તી વધારવાનો નવો નિયમ
પ્રજનન દર ઘટવાના કારણે ગ્રીસ યુરોપનો સૌથી વૃદ્ધ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગ્રીસ સરકારે વસ્તી વધારવાના હેતુથી નવા નિયમોની જાહેરાત કરી છે. 2026થી લાગુ થનાર આ નિયમો મુજબ, જે પરિવારોમાં ચાર બાળકો હશે તેમને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, જે વસાહતોની વસ્તી 1500 કરતાં ઓછી છે ત્યાંના લોકોને પણ અન્ય ટેક્સમાંથી છૂટ મળશે, જેનો ખર્ચ સરકાર પોતાના રાજકોષમાંથી ભોગવશે.
વધુ બાળકો પેદા કરનારાઓને ઈનામ
વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસના જણાવ્યા અનુસાર, ‘જો તમને કોઈ બાળક ન હોય તો જીવનનિર્વાહનો ખર્ચ ઓછો હોય છે, પરંતુ જો તમારા બે કે ત્રણ બાળકો હોય તો તે વધી જાય છે. આ કારણોસર, એક દેશ તરીકે આપણે એવા નાગરિકોને પુરસ્કૃત કરવાનો માર્ગ શોધવો જોઈએ, જેઓ વધુ બાળકો પેદા કરવાનું પસંદ કરે છે.’
‘ઝીરો ટેક્સ’ નીતિનો ફાયદો
વડાપ્રધાન મિત્સોતાકિસે કહ્યું કે, ‘નવા પગલાં હેઠળ દરેક વર્ગને 2% ટેક્સ કટનો લાભ મળશે. જોકે, ચાર બાળકોવાળા ઓછી આવકના પરિવારોને ‘ઝીરો ટેક્સ’ નીતિનો ફાયદો થશે. આ નવા કર લાભો 2026થી લાગુ થશે. આ પેકેજને તેમણે ગ્રીસમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયમાં લાગુ થયેલો સૌથી સાહસિક કર સુધારણા કાર્યક્રમ ગણાવ્યો છે. આ નીતિઓ વસ્તીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે દક્ષિણપંથી સરકાર દ્વારા લેવાયેલ અન્ય પહેલ પર આધારિત છે.
યુરોપમાં ગ્રીસમાં પ્રજનન દર સૌથી ઓછો
યુરોપના અન્ય દેશોની તુલનામાં, ગ્રીસમાં પ્રજનન દર સૌથી ઓછો છે. ગ્રીસમાં પ્રતિ મહિલાનો પ્રજનન દર 1.4 બાળકો છે, જે સરેરાશ 2.1ના દર કરતાં ઘણો ઓછો છે. વડાપ્રધાન મિત્સોતાકિસે આ પરિસ્થિતિને ‘રાષ્ટ્રીય જોખમ’ ગણાવી છે.
યુરોસ્ટેટના આંકડા મુજબ, ગ્રીસની વર્તમાન વસ્તી 1.02 કરોડ છે, જે 2050 સુધીમાં ઘટીને 80 લાખથી પણ ઓછી થવાનો અંદાજ છે, જેમાંથી 36% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની હશે. આ ગંભીર પરિસ્થિતિને સ્વીકારતા ગ્રીસના નાણામંત્રી કહ્યું કે, વસ્તીમાં ભારે ઘટાડો એ દેશના અસ્તિત્વ માટે મોટો ખતરો છે.
આર્થિક કટોકટીએ બગાડી પરિસ્થિતિ
ગ્રીસના નાણામંત્રીએ જણાવ્યું કે, ’15 વર્ષ પહેલા દેશમાં આર્થિક કટોકટીની શરૂઆત થઈ ત્યારથી પ્રજનન દર અડધો થઈ ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે તેમની સરકારની નવી કર નીતિ અને અન્ય સુધારાઓ મદદરૂપ થશે. તેમના મતે, હાલમાં દેશ માટે સૌથી મોટી પ્રાથમિકતા વસ્તીવિષયક મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીસમાં લગભગ એક દાયકા સુધી ચાલેલી આંતરિક કટોકટીને કારણે લગભગ પાંચ લાખ યુવા અને પ્રતિભાશાળી લોકોએ કામની શોધમાં દેશ છોડી દીધો હતો.

