વિધાનસભા ગૃહ ખાતે કૃષિ વિષયક ધિરાણ મંડળીઓ વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા કુલ ૫૪ ઇનિશિયેટ શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી પેક્સને આર્થિક રીતે મજબૂત બનાવવા ૧૪ પહેલો શરૂ કરવામાં આવી છે. જે પૈકી અમદાવાદ જિલ્લાની પ્રાથમિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીઓમાં ૪૭૩ પેક્સમાં મોડલ બાયલોઝ, ૪૪૮ પેક્સને કમ્પ્યુટરાઈઝેશન, ૧૬૦ પેક્સમાં CSC સેન્ટર જેવા ઇનિશિયેટ શરૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, જિલ્લાની મંડળીઓમાં ડીઝલ/પેટ્રોલ પંપ, ગ્રાહક ભંડાર, સિઝનેબલ વસ્તુઓના વેચાણ જેવી ઈનોવેટિવ કામગીરી પણ કરાઈ છે. જિલ્લાની પેક્સ દ્વારા આ પ્રકારની કામગીરીના પરિણામે ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારની તકો ઉપલબ્ધ થઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં પેક્સ અને દૂધ મંડળીઓના માધ્યમથી ગ્રામ્ય કક્ષાએ જ બેંકિંગ સેવાઓ મળે તે માટે લીધેલા પગલા સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ વિવિધ નાણાકીય સેવાઓ ઘરઆંગણે જ પૂરી પાડવામાં આવી રહી છે.
કો-ઓપરેશન એમન્ગ્સ કો-ઓપરેટિવનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા પેક્સ અને દૂધ મંડળીઓના સેક્રેટરીઓને બેંકમિત્ર બનાવાયા છે. બેંકમિત્ર ગ્રામ્ય કક્ષાએ જ નાણાકીય સેવાઓ પૂરી પાડી શકે તે માટે તેઓને માઈક્રો એ.ટી.એમ.ની સુવિધા આપવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
**

