GANDHINAGAR: સુશાનના 4 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સીએમ રીલીફ ફંડ થકી છેલ્લા 4 વર્ષોમાં આરોગ્ય સેવાઓ માટે ₹84 કરોડ 29 લાખથી વધુની સહાય મંજૂર

0
122
meetarticle

આગામી 13 સપ્ટેમ્બર, 2025ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કર્યું છે. અત્યંત ગંભીર અને જીવલેણ બીમારીમાં ખર્ચાળ આરોગ્ય સેવાઓને પહોંચી ન વળે તેવા જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સીએમ રીલીફ ફંડ એટલે કે મુખ્યમંત્રી રાહત નિધિ મારફતે આરોગ્યલક્ષી નાણાંકીય સહાય પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષોમાં સીએમ રીલીફ ફંડમાંથી 3761 નાગરિકોને ₹84 કરોડ 29 લાખથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે, જે સૂચવે છે કે રાજ્યના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે.

MBBSમાં ભણતા 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ₹3,58,260 સહાય

વડોદરામાં રહેતા અને MBBSમાં અભ્યાસ કરતા 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે આર્થિક સહાયની જરૂર હતી. ઓછી શ્રવણશક્તિના કારણે સારવાર યોગ્ય ન થાય તો તેમના શિક્ષણ અને કારકિર્દી પર ગંભીર અસરો પડી શકે તેમ હતી. વડોદરાની એપેક્સ સ્પિચ એન્ડ હિયરિંગ ક્લિનિકે કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ₹5,97,000નો અંદાજિત ખર્ચ સૂચવ્યો હતો, જેના કારણે તેમના પર ઘણો આર્થિક બોજો આવે તેમ હતો. તેમની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને, તેમના પરત્વે સહાનુભૂતિપૂર્વકની વિચારણાને અંતે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કિસ્સામાં તેમના માટે ₹3,58,260ની સહાય મંજૂર કરી. હેત્વીબેનના પિતા સંદીપભાઈ શાહ જણાવે છે કે, “અમને અમારા સગા તરફથી સીએમ રીલીફ ફંડની માહિતી મળી હતી. આ ઉપરાંત, અમે પેપરમાં આર્ટિકલ પણ વાંચ્યો હતો કે સીએમ રીલીફ ફંડમાંથી કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે સહાય મળે છે. એટલે અમે સંબંધિત અધિકારીઓને એપ્રોચ કર્યો, જરૂરી દસ્તાવેજો આપ્યા, વેરિફાય કરાવ્યા અને અમારી ₹3,58,260ની સહાય મંજૂર થઈ. અમને દોઢથી બે મહિનામાં જ પેમેન્ટ પણ મળી ગયું. અમારો આર્થિક બોજો ઓછો થઈ ગયો અને મારી દીકરીને મશીન પણ મળી ગયું. સીએમ રીલીફ ફંડ જરૂરિયાતમંદો માટે ખૂબ જ સારી યોજના છે, અને આવી બીજી કોઈ સેવા છે જ નહીં. આ યોજનાની જાણકારી વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે.”

71 વર્ષીય હાજાભાઈ ખૂંટીને કેન્સરની સારવાર માટે મળી સીએમ રીલીફ ફંડની મદદ

અમદાવાદમાં રહેતા 71 વર્ષીય હાજાભાઈ જેતાભાઈ ખૂંટીને કેન્સરનો રોગ થયો હતો. અમદાવાદની એચસીજી આસ્થા કેન્સર કેર હોસ્પિટલે તેમની સારવાર માટે ₹8,50,000નો અંદાજિત ખર્ચ જણાવ્યો હતો. હાજાભાઈ જેવા મધ્યમવર્ગીય પરિવારના દર્દી માટે આ રકમ ખૂબ મોટી હતી. તેમની આર્થિક પરિસ્થિતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કિસ્સામાં તેમની સારવાર માટે ₹2,83,333ની સહાય મંજૂર કરી. હાજાભાઈ જણાવે છે કે, “અમને ખૂબ જ યોગ્ય સમયે રાજ્ય સરકાર તરફથી જરૂરી આર્થિક મદદ મળી ગઈ. મારું ઓપરેશન પણ સફળતાપૂર્વક થઈ ગયું અને મારી તબિયત પણ ઘણી સારી છે. રેગ્યુલર ફોલો-અપ માટે હોસ્પિટલ જવું પડે છે. પણ સીએમ રીલીફ ફંડમાંથી અમને જે મદદ મળી તેનાથી અમને સંપૂર્ણ સંતોષ છે. આ માટે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો હું ખૂબ આભારી છું.”

CMRF: જરૂરિયાતમંદોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ

CMRF એટલે કે મુખ્યમંત્રી રિલીફ ફંડ જરૂરિયાતમંદોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ બન્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બૉનમેરૉ ટ્રાન્સપ્લાન્ટ, ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ તેમજ કેન્સર જેવી જીવલેણ બીમારીઓની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. આ પ્રકારની અતિ ગંભીર બીમારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનામાં આપવામાં આવતી વાર્ષિક નાણાંકીય સહાયની મર્યાદા પૂર્ણ થઈ જાય છે ત્યારે કેટલીક વાર દર્દી અને તેના પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે વધુ ખર્ચ માટે જરૂરી નાણાં હોતા નથી. આવી કપરી સ્થિતિમાં ગુજરાત સરકાર સીએમ રીલીફ ફંડ થકી નાગરિકોને જરૂરી નાણાંકીય સહાય પૂરી પાડીને તેમના પડખે અડીખમ ઊભી રહે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here