અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની ચર્ચા વિશ્વભરમાં હજુ પણ થઇ રહી છે. ત્યારે વિમાન ક્રેશ થાય તે પહેલા જ તેને બચાવી લેવાય તે દિશામાં એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે. દુબઇના બિરલા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાઇન્સના બે એન્જિનિયર્સ વિમાનની બહાર લગાવવા એર બેગ જેવું સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યા છે. અમદાવાદ વિમાન અકસ્માતને કારણે આ વિચાર એન્જિનિયર્સને આવ્યો હતો.

આ સુરક્ષા કવચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇની મહત્વની ભૂમિકા હશે. આ કવચની સાથે એઆઇ સેન્સર્સ વિમાનમાં લગાવવામાં આવશે જે અકસ્માત કે ક્રેશ થવાની સ્થિતિમાં જ એલર્ટ થઇ જશે અને આપમેળે એરબેગ્સને ખોલી નાખશે. જેને પગલે વિમાનની ફરતે વિશાળ પોપકોર્ન જેવી બેગો લપેટાઇ જશે. વિમાન પછડાય ત્યારે આ બેગો તેનું રક્ષણ કરશે. વિમાનનું ક્રેશ લેન્ડિંગ જરૂર થશે પરંતુ તેમાં જાનહાની કે નુકસાનને બચાવી શકાશે.
આ વિશેષ વિમાન એરબેગને ડિઝાઇનર્સ અને એન્જિનિયર્સ એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદની વિમાન દુર્ઘટનાને પગલે આ એન્જિનિયર્સ સુરક્ષા કવચની દિશામાં સંશોધન કરવા માટે પ્રેરાયા હતા. હાલ આ પ્રોેજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે અને એન્જિનિયર્સે પોતાની ડિઝાઈનને જેમ્સ ડાયસન એવોર્ડ માટે રજુ કરી છે.
પ્રોજેક્ટના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે પ્રોજેક્ટ રિબર્થનો જન્મ જરૂર લેબમાં થયો પરંતુ ખરેખર તેની શરૂઆત દુઃખદ ઘટનાથી થઇ હતી. અમારા પરિવારને અમદાવાદ વિમાન દુર્ઘટનાએ હચમચાવી નાખ્યો હતો. તેઓ ઉંઘી નહોતા શકતા. એઆઇથી સંચાલિત આ એરબેગ માત્ર બે જ સેકન્ડમાં વિમાનની આગળ વચ્ચે અને પાછળના ભાગને કવર કરી લેશે. હાલમાં આ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ કરવાનું એન્જિનિયર્સ વિચારી રહ્યા છે.

