ઓનલાઈન મેટ્રિમોનીયલ વેબસાઈટ મારફત મોરબીની યુવતી મુંબઈના યુવકના સંપર્કમાં આવ્યા બાદ વાત આગળ વધી હતી. અને લગ્નની લાલચ આપી મુંબઈના યુવકે – યુવતી પાસેથી અલગ અલગ સમયે રૂપિયા 8,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા બાદ લગ્ન નહિં કરી અને મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જેથી છેતરાયેલી યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના રવાપર રોડ પર વિવેકાનંદનગરની રહેવાસી અને હાલ હૈદરાબાદ રહેતી દિપ્તીબેન સુરેશભાઈ સેતા (ઉ.વ. 36) નામની યુવતીએ આરોપી નિમેશ બાબુભાઈ ચોટલીયા (રહે. મુંબઈ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે યુવતીએ મેટ્રિમોનીયલ વેબસાઈટ પર બાયોડેટા પ્રોફાઈલ મુક્યો હતો. જેના પરથી મુંબઈના રહેવાસી નિમેશ બાબુભાઈ ચોટલીયાનો સંપર્ક થયો હતો અને એકબીજાના બાયોડેટા જોતા પસંદ આવતા લગ્ન માટે વાતચીત આગળ વધારી હતી અને મોબાઈલ નંબરની આપ લે કરી હતી. યુવતીના પિતાએ પણ નિમેશ સાથે વાતચીત કરી હતી. અને દરમિયાન તેણીના પિતાનું અવસાન થયું હતું. ઘરેથી લગ્ન માટે થોડું દબાણ હોવાથી નિમેશ સાથે સંબંધ આગળ વધારી લગ્ન નક્કી કરવા વાત કરી હતી.
નિમેશે ગુગલની આલ્ફાબેટ કંપનીમાં પ્રોજેક્ટ સંભાળતો હોવાનું અને આઉટ ઓફ ઇન્ડિયા જવાનું જણાવ્યું હતું. પરંતુ સગા ભાઈ ડોક્ટર અંકિત ચોટલીયાના મેરેજ હોવાથી પોતે આઉટ ઓફ ઇન્ડિયા જઈ શક્યા નથી. જેથી પ્રોજેક્ટની પેનલ્ટી પેટે નાણા ભરવા પડશે. અને પોતે આર્થિક સંકડામણ અનુભવતા હોવાનું જણાવ્યું હતું. જે પ્રશ્ન હલ થયા પછી લગ્ન કરવા વિચારશે કહ્યું હતું. યુવતીને તેની સાથે લગ્ન કરવા હતા. જેથી આર્થિક સહાય કરવા નીમેશના બેંક એકાઉન્ટમાં અલગ – અલગ સમયે 8,50,000 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. અને બાદમાં વધુ રૂપિયાની મદદ કરવાની યુવતીએ ના કહી હતી. બાદમાં નિમેશે તેનો મોબાઈલ નંબર બંધ કરી દીધો અને પરિવારના મોબાઈલ નંબર યુવતી પાસે ના હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નિમેશે અગાઉ પણ આવી રીતે ફ્રોડ કરેલ છે. તેથી ફરિયાદ નોંધાવી છે. મોરબી એ. ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

