નેપાળમાં આંદોલન અને હિંસાની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં પણ સ્થિતિ ડામાડોળ થઇ રહી છે. પાક.ના અશાંત ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં પાકિસ્તાન-તાલિબાન નામના સંગઠન દ્વારા ઘાતક હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાની સૈન્યના ઓછામાં ઓછા ૧૨ સૈનિકો માર્યા ગયા હતા અને ચાર ઘાયલ થયા હતા. આ હુમલો દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લામાં કરાયો હતો.

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પાકિસ્તાન તાલિબાનના હુમલાખોરો અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. આ ભિષણ ઘર્ષણમાં ૧૨ સૈનિકોના મોત થયા હોવાની વાત ખુદ પાકિસ્તાની સૈન્યએ સ્વીકારી હતી. જ્યારે બીજી તરફ ૩૫ આતંકવાદીઓને પણ ઠાર માર્યા હોવાનો દાવો પાકિસ્તાની સૈન્યએ કર્યો છે.
પાકિસ્તાની સૈન્યના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (આઇએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી ખૈબરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમે ટીટીપી સાથે સંકળાયેલા ૨૨ આતંકીઓને માર્યા હતા. જ્યારે બીજુ એન્કાઉન્ટર વઝિરિસ્તાનમાં સામે આવ્યું હતું જેમાં પણ ટીટીપીના ૧૩ આતંકીઓ માર્યા ગયા હતા. તેથી કુલ આંકડો ૩૫એ પહોંચ્યો હતો. જોકે પાકિસ્તાની સૈન્યએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે આ એન્કાઉન્ટરમાં પોતાના ૧૨ સૈનિકો પણ માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં એક તરફ બલુચિસ્તાનના બળવાખોરો જ્યારે બીજી તરફ ખૈબરમાં તાલિબાનીઓ દ્વારા હુમલા વધારી દેવાયા છે.

