બગોદરા સામૂહિક આપઘાતની ઘટનામાં પોલીસે ખુશ્બુ ઓટો ફાઇનાન્સ કંપનીના ત્રણ કર્મી સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં રિક્ષાના હપ્તા સમયસર નહીં ભરતા ફાઇનાન્સ કંપનીના કર્મી રિક્ષા પાછી ખેંચી જવાની ધમકી આપતા પરિવારે પગલું ભર્યું હોવાનો ખુલાસો થયો હતો. ઉલ્લેખનીય છે કે ગત જુલાઇમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું.

બગોદરામાં ગત ૨૦મી જુલાઇના રોજ વિપુલ વાઘેલા (ઉં.વ. ૩૪), તેમની પત્ની સોનલ વાઘેલા (ઉ.વ.૨૬), દીકરી સિમરન (ઉ.વ.૧૧), દીકરો મયુર (ઉ.વ.૮) અને દીકરી પ્રિન્સી (ઉ.વ.૫)એ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાથમક તપાસમાં મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની વિપુલભાઇએ માર્ચ ૨૦૨૫માં નવી સીએનજી રીક્ષા ખરીદવા માટે ખુશ્બુ ઓટો ફાઇનાન્સ પાસેથી ૨,૪૫,૦૦૦ની લોન લીધી હતી. જોકે, બાદમાં તેઓ લોનના હપ્તા સમયસર ભરી નહીં શકતા ફાયનાન્સ કંપનીના લોકો તેમને ફોન કરીને હપ્તા ભરવા માટે ધમકાવી રહ્યા છે અને રીક્ષા ખેંચી જવાની ધમકી આપી રહ્યા છે. જેના પગલે આ પગલું ભર્યું હતું.
આ બનાવમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મૃતક વિપુલ વાઘેલાના સાળા સુભાષભાઈ નટુભાઈ ચેખલીયાની ફરિયાદ બાદ બગોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજ રોજ ખુશ્બુ ઓટો ફાયનાન્સના ધનરાજસિંહ ઝાલા, દર્શનભાઈ, અને જીશાનભાઈ સામે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિપુલભાઈને સતત ધમકાવતા હતા અને ૨૦ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં હપ્તા નહીં ભરાય તો રીક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને આપઘાત કરવા માટે પ્રેર્યા હતા. ?આ બનાવે લોન વસૂલવાની પ્રક્રિયામાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા થતા અમાનવીય દબાણ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર જોગરાણા કરી રહ્યા છે.

