અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી એક જ રેકર્ડ વગાડી રહ્યા છે અને તે છે ટેરિફ. હવે તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા રશિયા પાસેથી ઓઇલ ખરીદતા બધા દેશો પર ૫૦થી ૧૦૦ ટકા ટેરિફ લગાવવા નાટોને જણાવ્યું છે. આમ ટ્રમ્પે ઇયુ, જી-૭ પછી હવે નાટોને જણાવ્યું છે કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર ટેરિફ નાખે.

પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો નાટોના બધા જ સભ્યો સંમત થાય તો તે રશિયા પર મોટા પ્રતિબંધ લગાવવા તૈયાર છે. આવું જ તે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો સાથે પણ કરીને તેનો પ્રારંભ કરવા માંગે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટોએ આમા ૧૦૦ ટકા કરતાં પણ જરા પણ ઓછી પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ નહીં, તેમા પણ આ યુદ્ધ કરી રહેલા અને નિર્દોષોને હણી રહેલા રશિયા જેવા દેશ પાસેથી ઓઇલ ખરીદવું ઘણી આંચકાજનક બાબત છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીન પર કમસેકમ ૫૦થી ૧૦૦ ટકા ટેરિફ તો નાખવો જ જોઈએ. આમ થશે તો જ યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદતો દેશ છે. લગભગ ૫૦ ટકા જેટલું ઓઇલ તે ખરીદે છે. આ સંજોગોમાં ચીન પર ટેરિફ લાદવામાં આવે તો આ યુદ્ધ અટકાવવામાં મદદ મળી શકે. બીજી બાજુએ આપણા શસ્ત્રોને ફંડિંગ પણ આ જ ટેરિફના લીધે મળતું રહે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ સંઘર્ષ છે જ નહી. જો તે પ્રમુખ હોત તો આ સંઘર્ષ શરૂ જ થયો ન હોત. આ બાઇડેન અને ઝેલેન્સ્કીનું યુદ્ધ છે. આશ્ચર્યજનક રીતે તેમણે આ યુદ્ધને હજી સુધી પુતિનનું યુદ્ધ કહ્યું નથી.

