ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અક્ષયરાજ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિયેશનના આગેવાનોએ SP સમક્ષ ઝઘડિયા GIDCને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.એસોસિયેશનના પ્રમુખ અશોક પંજવાણી સહિતના ઉદ્યોગકારોએ SPને ઝઘડિયા GIDCની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. તેમણે મુખ્યત્વે વધતી જતી ટ્રાફિક સમસ્યા, ગુનાહિત પ્રવૃત્તિઓ, અને ગેંગવોર જેવી ગંભીર બાબતો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, GIDCમાં સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા લગાવવા અને કામદારોના વેરિફિકેશન કરાવવા જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

SP અક્ષયરાજ મકવાણાએ ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે ઉદ્યોગોનો મુક્ત અને સલામત રીતે વિકાસ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા હંમેશા સહકાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.
