રશિયન ઓઈલની આયાતના કારણે ભારત પર અમેરિકા તરફથી લગાવામાં આવેલા ટેરિફને લઈને રશિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે આજે રવિવારે (14 સપ્ટેમ્બર, 2025) કહ્યું કે, ‘અમે ભારતના વખાણ કરીએ છીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ટેરિફ વધાર્યા બાદ ભારતે રશિયા સાથે સંબંધ યથાવત રાખ્યા. આમ ભારત સાથે સંબંધો ખરાબ કરવાના કોઈપણ પ્રયાસ નિષ્ફળ રહેશે.’

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર રશિયાનું મોટું નિવેદન
રશિયાના મંત્રાલયે કહ્યું કે, ‘અમે ભારતનો આભાર વ્યક્ત કરીએ છીએ કે, દબાણ અને ધમકીઓ હોવા છતાં ભારતે રશિયા સાથે બહુપક્ષીય સહયોગ ચાલુ રાખ્યો. સાચું કહું તો, બીજું કંઈપણ કલ્પના કરવી મુશ્કેલ છે.રશિયાના મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ‘ભારત અને રશિયા વચ્ચેના સંબંધો આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. જેને ખરાબ કરનારા તમામ પ્રયાસો નિષ્ફળ રહેશે.’ તમને જણાવી દઈએ કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધોની અટકળો વચ્ચે રશિયાનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે ભારતીય આયાત વસ્તુ પર 50 ટકા ટેરિફ લગાવીને ચેતવણી આપી હતી કે, જો રશિયા પાસેથી ઓઈલની આયાત બંધ નહીં કરવામાં આવે તો અમેરિકા આ ટેક્સ જારી રાખશે.
મળતી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત ભારત પર રશિયન ઓઈલ ખરીદીને “યુક્રેન પર રશિયાના ઘાતક હુમલાઓને વેગ આપવાનો” આરોપ લગાવી ચૂક્યા છે, જ્યારે તેમની સરકારે રશિયા પર કડક પ્રતિબંધો લાદવાનું ટાળ્યું છે. જોકે, ભારતે ટેરિફને અન્યાયી ગણાવીને તેની નિંદા કરી છે. તેવામાં ભારતે અમેરિકા અને યુરોપ દ્વારા રશિયા પાસેથી ખરીદી તરફ ધ્યાન દોર્યું છે.
‘દરેક દેશની સાર્વભૌમત્વ સૌથી મહત્ત્વપૂર્ણ છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન ભારે યુએસ ટેક્સ ટેરિફ છતાં ચીન અને રશિયા સાથેના સંબંધોને મજબૂત બનાવવા વિશે વાત કરી હતી. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,’રશિયના મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, દરેક દેશની સાર્વભૌમત્વ સૌથી મહત્ત્વપૂર્ણ છે અને દેશના હિતોને પ્રથમ સ્થાન આપવાના વિચાર પર ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા આધાર રાખે છે. આમ આ સંબંધ વિશ્વસનીય, સ્પષ્ટ રીતે સમજી શકાય તેવો છે. જે ખરા અર્થમાં મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે.

