મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કુંભારવાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી મૃતપશુના અવશેષો ગમે ત્યાં ખુલ્લામાં ફેંકી રહ્યાં છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

કુંભારવાડી ગામના લોકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, કુંભારવાડી ગામની ઝાંપે થઇ આજુબાજુ ગામોમાં જવાનો પાકો ડામર રસ્તો આવેલો છે.આ ઝાંપાની આજુબાજુ પણ બીજા રહેણાંકના મકાનો આવેલા છે પરંતુ ગામના ગોવિંદભાઈ કાળુભાઈ તથા મણીલાલ નાથાભાઈ છેલ્લા કેટલાક સમયથી કુંભારવાડી ગામ સિવાય વીરપુર તાલુકાના અન્ય ગામોમાંથી મૃત પશુ લાવી ઝાંપા પાસે આવેલા રસ્તા પર જ પોતાની માલિકીની જગ્યામાં ચામડા ઉતારે છે.બાદમાં હાડકાં સહિત અવશેષો ફેંકી દે છે.જેથી આજુબાજુના રહેણાંકના મકાનો તેમજ રસ્તા પરથી અવર જવર કરતા તમામ લોકોને તેની દુર્ગધ ફેલાય છે. જેના કારણે ગામમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ અંગે ગ્રામજનો વારંવાર રજુઆત કરવા છતાં તેઓ મનસ્વી રીતે કામ કરી રહ્યાં હોવાનું તથા ગ્રામજનો સામે એટ્રોસિટીનો કેસ કરવાની પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે.

