ઈનકમ ટેક્સ વિભાગે એવા કરદાતાઓને મોટી રાહત આપી છે જેઓ કોઈ ઈમરજન્સીના કારણે સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરી શક્યા હોય. વિભાગે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ‘કન્ડોનેશન ઓફ ડિલે’ વિકલ્પ એક્ટિવ કરી દીધો છે. જો અરજી સ્વીકારવામાં આવે, તો અરજદારે કોઈ દંડ ચૂકવવાનો રહેશે નહીં.

શું છે આ સુવિધા
વિભાગના જણાવ્યા પ્રમાણે ઘણીવાર લોકો હોસ્પિટલમાં દાખલ થવા, ઘરે કોઈનું મૃત્યુ અથવા અન્ય ગંભીર કારણોસર સમયસર રિટર્ન ફાઈલ કરી શકતા નથી. આવા કિસ્સાઓમાં રાહત આપવા માટે પોર્ટલ પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. તેના દ્વારા કરદાતા વિલંબ બદલ માફી માટે અપીલ કરી શકે છે. જો વિભાગ આ વિનંતી સ્વીકારે છે, તો કરદાતાએ વધારાનો ટેક્સ, પેનલ્ટી અથવા વ્યાજ ચૂકવવું પડશે નહીં.
પુરાવો આપવો પડશે
વિભાગના જણાવ્યા પ્રમાણે અરજદાર દ્વારા આપવામાં આવેલ કારણ સાચું હોવું જોઈએ અને તેના દાવાને સાબિત કરવા માટે પૂરતા પુરાવા પૂરા પાડવા પડશે. આ સુવિધાનો લાભ આકલન વર્ષના અંત સુધી ઉઠાવી શકાશે.
આવી રીતે કરો અરજી
1. સૌથી પહેલા વિભાગની વેબસાઈટ (https://eportal.incometax.gov.in) પર લોગિન કરો.
2. ડેશબોર્ડ પર જઈને ‘સર્વિસ’ વિકલ્પ પર જઈને ‘Condonation Request’ લિંક પર ક્લિક કરો.
3. ત્યારબાદ ‘Application for Statutory Forms’ સિલેક્ટ કરો.
4. છેલ્લે ‘Create Condonation Request’ બટન દબાવીને પ્રોસેસ પૂરી કરો.
આજે IT રિટર્નની છેલ્લી તારીખ
– મોડા રિટર્ન ફાઈલ કરવા બદલ મહત્તમ 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
– ઘણી સંસ્થાઓએ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનો હવાલો આપીને તારીખ લંબાવવાની માંગ કરી છે
આજે IT રિટર્નનો છેલ્લો દિવસ છે. રવિવાર સવાર સુધીમાં છ કરોડથી વધુ રિટર્ન ફાઈલ થયા છે. આ વચ્ચે હજુ સુધી તારીખ લંબાવવાની કોઈ શક્યતા નથી. જોકે, ઘણા સ્તરે તારીખ લંબાવવાની માગ થઈ રહી છે. આ અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે.
એડવોકેટ્સ ટેક્સ બાર એસોસિએશન (ATBA) અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે રિટર્ન અને ટેક્સ ઓડિટ સંબંધિત સમયમર્યાદા લંબાવવાની માગ કરી છે. આ પાછળ હવાલો આપવામાં આવ્યો છે કે, રિટર્ન ફાઈલ કરવામાં પોર્ટલ પર ઘણી સમસ્યાઓ આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીનેતારીખ લંબાવવી જોઈએ. જો કે, આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે જો તારીખ લંબાવવામાં નહીં આવે, તો નિયત તારીખ પછી રિટર્ન ફાઈલ કરવા બદલ ભારે દંડ ભરવો પડી શકે છે.
હાલમાં નિયમો પ્રમાણે નિર્ધારિત સમય પછી રિટર્ન ફાઈલ કરવા પર મહત્તમ 5,000 રૂપિયાનો દંડ (લેટ ફી) ચૂકવવો પડે છે. જોકે, જેમની કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તેમના માટે આ લેટ ફી માત્ર 1,000 રૂપિયા હશે.

