AHMEDABAD : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ આયોજિત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી

0
100
The Governor of Himachal Pradesh, Shri Acharya Devrat calls on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on December 11, 2015.
meetarticle

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ અવસર અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વના સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા તરફથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, મોદીજીએ તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે. ગુજરાતની ધરતી પર સમયાંતરે મહાપુરુષો જન્મ્યા છે જેઓએ સમાજ અને દેશના હિત માટે અસાધારણ યોગદાન આપ્યું છે. એવા જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. અનેક દેશોએ તેમને સર્વોચ્ચ સન્માન આપી ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમના દુરંદેશી નેતૃત્વમાં ભારત પ્રગતિના નવા પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રકતદાન શિબિરનું આયોજન ખૂબ જ સહારાનીય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અનેક યોજનાઓ થકી પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ૭૫ વર્ષના જીવનમાં વડાપ્રધાનશ્રીએ અર્જિત કરેલું જ્ઞાન આજે સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો સંચાર કરી રહ્યું છે અને માનવતાના કલ્યાણ માટેનાં અનેક કાર્યો તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે.

રક્તદાન શિબિર અંગે વાત કરતા રાજ્યપાલ શ્રી એ કહ્યું કે, આચાર્યશ્રી મહાશ્રમણજીની પ્રેરણાથી અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નેતૃત્વમાં વિશ્વના ૭૫ દેશમાં આ પ્રકારની રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે એ ખૂબ ગૌરવની વાત છે. રક્તદાન એ સૌથી મોટું જીવનદાન છે. એટલું જ નહીં, રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે રાજ્યપાલશ્રીએ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના સૌ સભ્યોને તેમજ વિવિધ સમુદાયના જે લોકો આ અભિયાનમાં જોડાઈને રક્તદાન કરી રહ્યા છે એ સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના ભાવ જન-જન સુધી ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસની પુર્વ સંધ્યાએ પણ રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ‘નમો કે નામ રક્તદાન’ પહેલ થકી રાજ્યમાં ૩૭૮ રક્તદાન શિબિરોના માધ્યમથી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, જેમ રક્ત એ શરીરમાં ચાલકબળ છે, એ જ રીતે આટલી મોટી સંખ્યામાં રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ તેજ અને નવા ભારત, વિકસિત ભારતનું પ્રેરણાબળ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના શબ્દોનું સ્મરણ કરતાં ઉમેર્યું કે આર્થિક દાન કરનારની તકતી લાગે છે, પણ રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી એટલા જ માટે રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે. ત્યારે સૌ ઉપસ્થિતોને યોગ, પ્રાણાયામ અને કસરત દ્વારા ‘ફિટ ઇન્ડિયા’ની ઝૂંબેશમાં જોડાઈને, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈકના જીવનના દાતા બનવા સૌને અપીલ કરી હતી.

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ શ્રી રમેશ ડાગા, ઉપાધ્યક્ષ શ્રી પવન માંડોત, તેરાપંથ યુવક પરિષદના અમદાવાદના પ્રમુખ શ્રી પ્રદીપ બાગરેચા, મંત્રીશ્રી સાગર સાલેચા તેમજ સંસ્થાના કાર્યકર્તા તેમજ વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here