ડભોઈથી વાઘોડિયાને જોડતા વ્યસ્ત રાજ્ય ધોરીમાર્ગ પર હાલ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. માર્ગની બંને બાજુએ અનિયંત્રિત રીતે ઉગી નીકળેલા જંગલી વેલા, ઝાડી-ઝાંખરા અને બાવળોએ આખો રસ્તો સાંકડો બનાવી દીધો છે.

આ વનસ્પતિનો જાડો થર માર્ગના શોલ્ડરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે વાહનચાલકોને સાઇડ લેવામાં ભારે મુશ્કેલી પડે છે. પરિણામે, ટ્રાફિક ધીમો પડે છે અને અકસ્માતોનું જોખમ પણ વધી ગયું છે.

રોજના હજારો વાહનો પસાર થાય છે, તેમ છતાં આ માર્ગ ડભોઈ અને વાઘોડિયા જેવા મહત્વના શહેરોને જોડે છે, અને તેથી દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો અહીંથી પસાર થાય છે. વાહનચાલકોએ જણાવ્યું કે જ્યારે સામેથી કોઈ મોટું વાહન, જેમ કે બસ કે ટ્રક આવે, ત્યારે સાઇડ લેવા માટે જગ્યા રહેતી નથી. જંગલી વેલા અને ઝાડી-ઝાંખરા એટલા ફેલાઈ ગયા છે કે રસ્તો ખરેખર બે વાહનો માટે સાંકડો પડી રહ્યો છે.” ખાસ કરીને રાત્રિના સમયે આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે, કારણ કે વાહનચાલકોને રસ્તાની કિનારીનો અંદાજ આવતો નથી.

સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી
આ સમસ્યા અંગે અનેકવાર સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે સ્ટેટ હાઇવે ઓથોરિટી અને વન વિભાગ સંયુક્ત રીતે આ ઝાડી-ઝાંખરાને દૂર કરવાની કામગીરી હાથ ધરે. જો સમયસર સફાઈ કરવામાં આવે તો માર્ગ સુરક્ષિત બની શકે છે વાહનચાલકોની સલામતી અને સુગમતા માટે આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવું અત્યંત જરૂરી છે. સરકારી તંત્ર ક્યારે આ દિશામાં પગલાં લે છે તે જોવું રહ્યું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

