ભરૂચ તાલુકાના દેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનું પ્રતીક બની રહ્યું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ નહિ પરંતુ તમામ ધર્મના લોકોએ ભાગ લીધો હતો.

ઉર્સ શરીફની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચઢાવીને કરવામાં આવી હતી. આ અવસરે ભરૂચ અને આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને આસ્થાથી ભરી દીધું હતું. જુલુસમાં લોકો નારા લગાવતા અને દાદાની શાનમાં નાત શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમમાં દેરોલ ગામના સરપંચ દિલાવર એન. મલેક, રણજીતસિંહ ડાભી, ધર્મેન્દ્રસિંહ જાદવ, ફતેસિંહ ડાભી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉર્સ શરીફની સૌથી મહત્વની વાત એ હતી કે હિન્દુ-મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી, જે સમાજમાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યું હતું.
આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે, અને સમાજમાં એકતા જાળવવાનો એક ઉત્તમ સંદેશ આપે છે.

