મહેસાણા પાસે આજે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાની બુલેટપ્રૂફ ગાડીનું અચાનક ટાયર ફાટ્યું હતું. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી અને ડો. તોગડિયા સુરક્ષિત છે. આ ઘટના પાલનપુરથી અમદાવાદ જતા સમયે નંદાસણ નજીક બની હતી. ડો.પ્રવીણ તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે સ્કોર્પિયો ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા.બુલેટ પ્રૂફ કારનું અચાનક ટાયર ફાટતા સર્જાઈ દુર્ઘટના

જ્યારે તેમનો કાફલો નંદાસણ નજીક પહોંચ્યો ત્યારે અચાનક તેમની બુલેટપ્રૂફ ગાડીનું ટાયર ફાટ્યું હતું. આ ઘટના બાદ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ગાડીને કાબૂમાં લઈ લીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ નંદાસણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસે ડો.તોગડિયાની ગાડીને સુરક્ષા આપી હતી.
મોટી દુર્ઘટના ટળી
આ ઘટના બાદ ડો.તોગડિયાને બીજી ગાડીમાં બેસાડીને તેમના સુરક્ષા કાફલા સાથે અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ ડો.પ્રવીણ તોગડિયાના સમર્થકો અને શુભેચ્છકોમાં થોડી ચિંતા ફેલાવી હતી. પરંતુ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

