બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ ખુલ્લેઆમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ‘અમારા ટ્રમ્પ સાથે કોઈ સંબંધ નથી.’ આ ઉપરાંત તેમણે બ્રાઝિલ પર લાદવામાં આવેલા યુએસ ટેરિફને રાજકીય દુશ્મનાવટ પણ ગણાવી છે. નોંધનીય છે કે, ટ્રમ્પે ભારતની જેમ જ બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.

ટ્રમ્પે બ્રાઝિલ સાથેના સંબંધોમાં ભૂલો કરી છે
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ ચેતવણી આપી હતી કે, ‘ટેરિફ અમેરિકાની જનતાને કોફી અને માંસ જેવા બ્રાઝિલિયન ઉત્પાદનો માટે વધુ ચૂકવણી કરવાની ફરજ પાડશે. ટ્રમ્પ બ્રાઝિલ સાથેના સંબંધોમાં જે ભૂલો કરી રહ્યા છે તેની કિંમત અમેરિકન જનતા ચૂકવશે.’
ટ્રમ્પનો સંપર્ક કરવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો ન હતો તે પૂછવામાં આવતા લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું, ‘મેં ક્યારેય ફોન કરવાનો પ્રયાસ કર્યો નહીં કારણ કે તે ક્યારેય વાત કરવા માંગતા ન હતા.’ નોંધનીય છે કે, ટ્રમ્પે કહ્યું હતું કે બ્રાઝિલના પ્રમુખ મને ગમે ત્યારે ફોન કરી શકે છે.’
બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ ટ્રમ્પની કાર્યશૈલી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ‘બ્રાઝિલના અખબારોમાંથી ટેરિફ વિશે જાણવા મળ્યું. વાટાઘાટો કરવાનો આ સારો રસ્તો નથી. ટ્રમ્પ સાથેના તેમના સંબંધ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, ‘કોઈ સંબંધ નથી.’
અમેરિકાના ભારે ટેરિફનો સામનો બ્રાઝિલ અને ભારત કરી રહ્યું છે
બ્રાઝિલ અને ભારત જ વિશ્વના બે એવા દેશો છે જે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ભારે ટેરિફનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે શરૂઆતમાં ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી અને બાદમાં વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. વધુમાં, તેમણે રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર દંડ પણ ફટકાર્યો હતો.

