વડોદરાના ચકચારી દીપેન મર્ડર કેસના આરોપી હાદક અને તેના ભાઇ હિતેશની સંડોવણી સપાટી પર આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. તાજેતરમાં હત્યાનો મુખ્ય આરોપી હાર્દિક કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો અને ત્યાર બાદ તે સુરત ખાતેથી ઝડપાઇ હતો. દરમિયાનમાં આરોપી હિતેશે ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન અરજી મુકતા આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, દરજીપુરા આરટીઓ નજીક રહેતા અને નંબર પ્લેટની એજન્સી ધરાવતા દીપેન પટેલની મે મહિનામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેની લાશ હાલોલ પાસે કેનાલમાંથી મળી આવી હતી જ્યારે કાર અનગઢ મહીસાગરમાંથી મળી હતી. કારમાંથી દીપેનના ચંપલ, પથ્થર તેમજ અન્ય ચીજો મળ્યા હતા.તપાસમાં હત્યારો મૂળ ભાવનગરનો હાદક પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું. જે દીપેનનો મિત્ર હતો અને તેના ઘર પાસે ભાડાના મકાનમાં રહેતો હતો.
હાદક એક યુવતીના પ્રેમમાં હોવાથી દીપેને તેને ઠપકો આપ્યો હતો, જેથી પ્રેમમાં આડખીલી રૃપ બનતા દીપેનની કારમાં લિફ્ટ લઈને હાદક પ્રજાપતિએ તેની ઘાતકી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. આ બનાવમા હાર્દિકના ભાઇ હિતેશકુમાર કૈલાસભાઇ પ્રજાપતિએ પણ મદદગારી કરી હોવાનું સપાટી પર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેલા હિતેશે જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપી સામે પ્રથમદર્શનીય કેસ જણાતો હોવાની નોંધ સાથે આરોપીની જામીન અરજી રદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહિના પહેલા આરોપી હિતેશની પત્નીએ સુરત ખાતે પોતાના બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મુકતા મહિલા અને પુત્રનું મોત થયું હતું જ્યારે બાળકીનો બચાવ થયો હતો.

