ફ્રાન્સમાં વડાપ્રધાનપદે સેબાસ્ટિયન લેકોર્નુની નિમણૂક પછી બજેટમાં કાપ, જાહેર સેવાઓ અને ભથ્થાં મુદ્દે સરકારના વિરોધમાં જનતામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ગયા સપ્તાહે ‘બ્લોક એવરીથિંગ’ બેનર હેઠળ વિરોધ પ્રદર્શન પછી ગુરુવારે ફરી એક વખત ફ્રાન્સમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, પેરીસની બહાર ૨.૮૦ લાખથી વધુ લોકો દેખાવોમાં જોડાયા છે જ્યારે સમગ્ર દેશમાં ૮થી ૯ લાખ લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનું મનાય છે. પોલીસે પેરિસમાં ૨૧ સહિત ૧૪૧થી વધુ લોકોની ધરપકડ કરી છે અને ૭૫ લોકો હજુ પણ અટકાયતમાં છે. કાયદો-વ્યવસ્થા જાળવવા ૮૦,૦૦૦ પોલીસ કર્મચારી તૈનાત કરાયા છે.બજેટમાં કાપના વિરોધમાં વેપાર સંગઠનોએ ગુરુવારે હડતાળની જાહેરાત કરી હતી. આ સિવાય પગાર વધારા, ધનિકો પર ઊંચા ટેક્સ તથા પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રોના રાજીનામાની માગણી સાથે સમગ્ર ફ્રાન્સમાં માર્સેલી, નાન્ટેસ, લીઓન, પેરિસ અને અન્ય શહેરોમાં ૮,૦૦,૦૦૦થી વધુ લોકોએ રસ્તા પર ઉતરી દેખાવો કર્યા હતા, જેમાં કેટલાક સ્થળો પર દેખાવો હિંસક બન્યા હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

ફ્રાન્સવા બાયરુની સરકારને ઉથલાવ્યા પછી પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રોના વિશ્વાસુ સેબાસ્ટિયન લેકોર્નુની વડાપ્રધાનપદે નિમણૂક થયાના એક સપ્તાહની અંદર જ વેપાર સંગઠનોએ ગુરુવારે દેખાવો કર્યા હતા. વેપાર સંગઠનો અને ડાબેરી પક્ષ સેબાસ્ટિયન લેકોર્નુની નિમણૂકથી ખુશ નથી. લેકોર્નુએ વડાપ્રધાનોને આજીવન ભથ્થા ખતમ કરવા અને બે જાહેર રજાઓ રદ કરવાની યોજના પાછી ખેંચવાનું વચન આપવા છતાં દેખાવકારો શાંત થયા નથી. પૂર્વ વડાપ્રધાન ફ્રાન્સ્વા બાયરુના બજેટમાં કાપ મૂકી ૪૪ અબજ યુરોપના બજેટના મુસદ્દા પર લોકો હજુ પણ ભડકેલા છે. તેઓ હવે પ્રમુખ મૈંક્રોના રાજીનામાની માગ કરી રહ્યા છે.
સમગ્ર દેશમાં અનેક શહેરોમાં ૪૭૬થી વધુ દેખાવોના કારણે જાહેર પરિવહન વ્યવસ્થા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ગૃહ મંત્રાલયે કહ્યું કે, હડતાળો અને દેખાવોમાં જોડાયેલા ત્રીજા ભાગના દેખાવકારો શિક્ષકો છે. ફ્રાન્સમાં ગુરુવારે પ્રત્યેક ૧૦માંથી ૯ દવાની દુકાનો બંધ રહી હતી જ્યારે પેરિસ મેટ્રોનું સંચાલન પર પણ અસર થઈ હતી. ગુરુવારે સમગ્ર દેશમાં થઈ રહેલા દેખાવોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, રેલ ચાલકો, ફાર્માસિસ્ટ, ખેડૂતો અને હોસ્પિટલ કર્મચારીઓ જોડાયા હતા, જેના પગલે સ્કૂલો, પરિવહન, ફાર્મસી અને અન્ય ઉદ્યોગોને હડતાળથી ભારે અસર થઈ હતી. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ૮૦,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે, જેઓ ડ્રોન, બખ્તરબંધ વાહનો અને વોટર કેનની મદદથી લોકોને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ફ્રાન્સમાં મોટાભાગના દેખાવો એકંદરે શાંત રહ્યા છે. પરંતુ લીઓન અને નાન્ટેસ જેવા શહેરોમાં ક્યાંક દેખાવકારો હિંસક બન્યા હતા. તેમને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડયો હતો. પેરીસમાં ગુરુવારે સવારે અનેક મેટ્રો લાઈન્સ પર સેવાઓ ખોરવાઈ ગઈ હતી જ્યારે મોટાભાગના શહેરોમાં દેખાવકારોએ રસ્તા અને શેરીઓ બ્લોક કરી દીધા હતા.

