અમદાવાદ-મહેસાણા ટોલ હાઈવે પર વાહનચાલકોને લાંબા સમયથી પરેશાન કરી રહેલા ખાડાઓમાંથી હવે મુક્તિ મળવા જઈ રહી છે. ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા આ માર્ગ પર ટોલ રોડ એજન્સી દ્વારા ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. ચોમાસામાં સતત વરસેલા ભારે વરસાદને કારણે અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા હતા.

ભારે વરસાદના કારણે હાઇવે ઉપર પડ્યા હતા ખાડા
આ ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વાહનોને નુકસાન થવાની સાથે સાથે નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હતા. આ ઉપરાંત ખાડાઓને કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ નિયમિત બની ગઈ હતી. જેનાથી મુસાફરોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો હતો. વાહનચાલકોની વારંવારની રજૂઆતો બાદ અને લોકોના ભારે રોષને ધ્યાનમાં રાખીને આખરે ટોલ રોડ એજન્સીએ આ માર્ગના સમારકામની કામગીરી હાથ ધરી છે.
ખાડા પડતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા
રોડ અને મકાન વિભાગના સહયોગથી એજન્સી દ્વારા મશીનરી સાથે ખાડા પૂરવાનું અને રોડ રિસરફેસ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા જ વાહનચાલકોને ખાડાઓથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનશે. લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા વાહનચાલકોએ આ કામગીરીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે માર્ગનું નિયમિત સમારકામ કરવામાં આવશે. આ પગલાથી અમદાવાદ-મહેસાણા માર્ગ પરનો પ્રવાસ વધુ સુખદ બનશે.

