ગોધરાના બામરોલી રોડ પર આવેલી દીપ મેટરનિટી અને ચિલ્ડ્રન હોમ હોસ્પિટલમાં નવજાત બાળકીની તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે હોસ્પિટલના સ્ટાફ, બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા અને ગેરકાયદેસર રીતે બાળકીને ખરીદનાર દંપતી સહિત કુલ 8 લોકો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગેરકાયદેસર રીતે દત્તક લેવાયેલી બાળકી બીમાર પડી. બાળકીને સારવાર માટે સૌપ્રથમ ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર અને ગ્રામ્યની અલગ-અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન એક ખાનગી હોસ્પિટલના તબીબને બાળકીના દસ્તાવેજો અને દંપતીના વર્તન પર શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ એક સુનિયોજિત કાવતરું હતું. દીપ મેટરનિટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ માતા બાળકીને ત્યજીને જતી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે પૈસાની લાલચમાં આ બાળકીને ગોધરા તાલુકાના એક ગામના નિઃસંતાન દંપતીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી.
આ મામલે સૌપ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાનું કેન્દ્ર ગોધરા હોવાથી, કેસને ઝીરો નંબરથી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ગોધરા પોલીસે આ મામલે માનવ તસ્કરી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે દીપ મેટરનિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો અને સ્ટાફ, બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા, અને બાળકીનું ખરીદ-વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખનાર કુલ 8 ઈસમો સામે ફરિયાદ નોંધી છે. પોલીસ હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગોધરા પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

