ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયાભરના અર્થતંત્ર પર સામાજિક અને આર્થિક અસરો પણ થશે. તમને સવાલ થઈ શકે છે કે, આવું કેવી રીતે શક્ય છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી અને ચેપી રોગો વધશે અને તેના કારણે દુનિયાભરના લોકોનું આરોગ્ય જોખમાશે. આ કારણસર અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં કર્મચારીઓની પણ અછત સર્જાશે. અને તેના કારણે 2050 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં 1.5 ટ્રિલિયન ડોલર્સની ઉત્પાદકતા ઘટશે. આશ્ચર્યની વાત એ છે કે, આ સ્થિતિ માટે જે દેશો સૌથી ઓછા જવાબદાર છે, તેમને જ ક્લાઈમેટ ચેન્જની સૌથી વધુ અસર થશે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના સહયોગથી કરાયેલા ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલમાં આ વાત કરવામાં આવી છે.

ક્લાઇમેટ ચેન્જની અસર અને પડકારો
આ અહેવાલ પ્રમાણે, અન્ન અને કૃષિ, પર્યાવરણ, આરોગ્ય અને વીમા જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં તેની સૌથી વધારે અસર થશે. આ અભ્યાસમાં કંપનીઓને કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ કરવા તાકીદે પગલાં ભરવાની સલાહ આપી છે. જેથી સ્થિતિ વણસે તે પહેલાં ઉત્પાદકતાને જાળવવા માટે થનારા ખર્ચને નિયંત્રણમાં રાખી શકાય. આ અહેવાલના તારણો દર્શાવે છે કે અતિશય ગરમી, ચેપી રોગો અને માણસો સહિતના જીવોના આરોગ્ય પર જોખમ સતત વધી રહ્યું છે અને તેથી અત્યારથી જ ક્લાઈમેટ ચેન્જ સામે લડવાની વ્યૂહનીતિ તૈયાર કરવી અત્યંત જરૂરી છે.
ક્લાઈમેટ ચેન્જથી વધતા જોખમો
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ક્લાઈમેટ રેસિલિયન્સ વિભાગના વડા એરિક વ્હાઈટે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાનારા જોખમો સામે ગ્લોબલ બિઝનેસને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ કરવાનું જરૂરી બની ગયું છે. દર વર્ષે આ નિર્ણયો લેવામાં જેટલો વિલંબ થતો જશે તેમ માનવ આરોગ્ય સામે જોખમ વધતું જશે અને ઉત્પાદકતા ઘટતી જશે.
ક્લાઇમેટ ચેન્જની કૃષિ-પર્યાવરણ પર અસર
આ અહેવાલ પ્રમાણે કૃષિ-અન્ન અને પર્યાવરણ ક્ષેત્રે ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાનારા આરોગ્ય જોખમોને કારણે 740 અબજ ડોલરનો ફટકો પડશે. તેનાથી અન્ન સુરક્ષા પર ગંભીર અસર પડશે, જ્યારે પર્યાવરણ ક્ષેત્રે 570 અબજ ડોલરની ઉત્પાદકતા ઘટી જશે. આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતાં કર્મચારીઓના આરોગ્ય પર થનારી ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે પણ 200 અબજ ડોલરનું નુકસાન થશે.
તાપમાન વધવાથી નોકરીઓ ગુમાવવાનું જોખમ
રોકફેલર ફાઉન્ડેશનના આરોગ્ય વિભાગના ઉપ પ્રમુખ નવીન રાવે જણાવ્યું હતું કે, વૈશ્વિક તાપમાન વધતા અનેક નોકરીઓ નામશેષ થઇ જશે. તેના કારણે અનેક પરિવારો ભીષણ ગરીબીમાં ધકેલાઈ જશે.
નોંધનીય છે કે, આ અહેવાલ તૈયાર કરવા આરોગ્ય અને રોજગારીની માહિતી વૈજ્ઞાનિક સંશોધનોમાંથી લીધી હતી, જ્યારે આર્થિક ગણતરીનો અંદાજ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ બેન્કના ડેટામાંથી લેવાયો છે

