ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના આદેશને પગલે પાનોલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ની બાજુમાં આવેલ કામધેનુ એસ્ટેટ-2માંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ ઇન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2ના પ્લોટ નંબર 6 અને 7ના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા. સાથે જ, કોલસો ભરેલા ત્રણ ડમ્પર, એક લોડર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા. આ પાંચેય વ્યક્તિઓ ગોડાઉનમાં રાખેલા કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

પોલીસે આ રેડમાં કુલ 54,31,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ગોડાઉનમાં પડેલો અંદાજે 95 ટન કોલસો, ત્રણ ડમ્પરમાં ભરેલો 108.68 ટન કોલસો, ત્રણ ડમ્પર વાહનો અને એક જોન ડીયર કંપનીનું લોડર મશીન સામેલ છે. પોલીસે હાજર મળી આવેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ, આકાશ ગંગાદીન રાજપૂત, કવલજીતસિંગ સુભેગસિંગ, કુલવેન્દ્રસિંગ જસવંતસિંગ અને સુગંધકુમાર સુરેશસિંગનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરી પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

