વડોદરા કોર્પોરેશનના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવતાં ગોરવા ગામ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીના મેઈન રોડ પર અચાનક મસમોટો ભુવો પડતા કોર્પોરેશને સમારકામ શરૂ કર્યું હતું.

નાગરિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે ઘણા દિવસોથી રોડ ખખડધજ હતો અને વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. અંતે ભારે વરસાદ પછી માર્ગની નીચેની જમીન ધસી જતા મોટો ભુવો પડી ગયો હતો. શહેરમાં પહેલેથી જ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીથી રસ્તાઓ ધોવાઈ જતાં ખાડા ઊભા થયા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવામાં ગોરવા વિસ્તારમાં પડેલા આ ભુવાએ નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. રાત્રિના સમયે ભુવો પડતાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતની ભીતિ સર્જાઈ છે. બીજી તરફ, જાગૃત નાગરિકોએ રસ્તાની ખરાબ ગુણવત્તા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે અને નાગરિકોને સુરક્ષિત તથા ટકાઉ રસ્તાઓ આપવાની માંગ કરી હતી.

