નવરાત્રિના પહેલા નોરતે જીએસટી રેટમાં ઘટાડા સાથે અનેક ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જીએસટીમાં કાપને પગલે 22મી સપ્ટેમ્બરે ગુજરાતમાં 8થી 10 હજાર ટુ-વ્હિલર, 2500થી વધુ કારનું વેચાણ થયું હતું. ગુજરાતમાં કાર, ટુ-વ્હિલર ખરીદનારાઓને રૂપિયા 50 કરોડથી વધુનો લાભ થયો હતો.

નવરાત્રિ-દશેરામાં ગુજરાતમાંથી 30 હજાર જેટલી કાર વેચાવાનો અંદાજ
નવરાત્રિની શરૂઆત જીએસટી 2.0 સાથે થઈ છે. ગુજરાતના ઓટો રિટેલ ક્ષેત્રને નવા બૂકિંગ, ઈન્ક્વાયરી મામલે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન (FADA) પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, જીએસટીના નવા દરથી ગ્રાહકોને ટુ-વ્હિલરમાં સાત હજારથી 20 હજાર રૂપિયા, જ્યારે કારમાં 60 હજારથી 2.50 લાખ રૂપિયા સુધીનો લાભ થશે.
જીએસટીમાં ઘટાડાના પહેલા દિવસે અમદાવાદમાં 2500 ટુ-વ્હિલર્સ, 800થી 1 હજારનું અંદાજે વેચાણ થયું હતું. જેનાથી અમદાવાદના ગ્રાહકોને 10 કરોડ રૂપિયાથી વધુનો લાભ થયાનો દાવો કરવામાં આવ્યો છે. FADAના જણાવ્યાનુસાર, જીએસટીમાં ઘટાડો, સાનુકૂળ ચોમાસું અને સકારાત્મક અર્થતંત્રને પગલે નવરાત્રિ દરમિયાન 10 લાખ ટુ વ્હિલર્સ, 30 હજાર કારનું વેચાણ થવાનો અંદાજ છે. આ પૈકી અમદાવાદમાંથી જ 15 હજારથી 17 હજાર ટુ વ્હિલર અને 4થી 5 હજાર કાર માત્ર અમદાવાદથી વેચાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી જુલાઇમાં 1.52 લાખ વાહનોનું વેચાણ થયેલું હતું. જેમાં 99735 ટુ વ્હિલર્સનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે જુલાઇમાં કુલ 1.52 લાખ વાહન વેંચાયા હતા.

