SURENDRANAGAR : નવરાત્રી શરૃ થતા જ બજારમાં ‘ફૂલ’ તેજી, ગુલાબના ભાવ વધીને 700 સુધી પહોંચ્યા

0
80
meetarticle

 શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીના દિવસોમાં વિવિધ મંદિરોમાં માઈ ભક્તોની ભીડ જામશે. આ સાથે માતાજીની પુજા અર્ચનામાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ફૂલ, હાર સહિતના ભાવમાં વધારો નોંધાયો છે. પરંતુ તેમ છતાંય ભક્તો રાબેતા મુજબ ફૂલ તેમજ હારની ખરીદી કરતા નજરે પડયા હતા.

ચાલુ વર્ષે પ્રથમ નોરતે જ ફૂલોના ભાવમાં અંદાજે ૪૦થી ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે જેમાં ગુલાબના ભાવ જે અગાઉ પ્રતિ કિલો રૃા.૩૫૦ થી ૪૫૦ સુધી હતા તે વધીને હાલ પ્રતિ કિલો રૃા.૫૫૦ થી ૭૦૦ સુધી પહોંચી ગયા છે. જ્યારે કાશ્મીરી ગુલાબ, સાદા ગુલાબ, ડિવાઈ ગુલાબ, ઈંગ્લીશ ગુલાબ, બુકેના ફૂલ, હજારી ગુલાબમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ગલગોટા, પીન્ક પીળા અને સફેદ ફૂલોના ભાવમાં ઘટાડો થયો છે.વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂલોનો વેપાર કરતા વેપારી ભાવેશભાઈ માળીના જણાવ્યા મુજબ હવેથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર થાય છે જેમાં ચુડા, કુંતલપુર, દેવચરાડી સહિતના અનેક ગામોમાં ફૂલોનું વાવેતર થતું હોવાથી સરળતાથી સ્થાનીક કક્ષાએથી જ ફૂલો મળી રહે છે. સામાન્ય સીઝનમાં ૨૦૦૦ કિલો ફૂલોની માંગ રહેતી હોય છે પરંતુ નવરાત્રીના તહેવારમાં ફૂલોની માંગમાં સતત વધારો થયો છે અને હાલ અંદાજે ૫૦૦૦ કિલો ફૂલોની માંગ રહે છે.

સુરેન્દ્રનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અંદાજે ૪૦થી વધુ નાની-મોટી ફૂલોની દુકાનો આવેલ છે જ્યાં ભાવ વધારો હોવા છતાં નવરાત્રીના તહેવારને લઈ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જિલ્લાના વેપારીઓ બહારગામથી જરૃરીયાત મુજબ ફૂલો મંગાવે છે જે પાણી છાંટેલા તેમજ ફ્રીજમાં મુકેલા આવે છે પરંતુ સુકાઈ જાય એટલે તેનું વજન ઘટે છે જે નુકસાની વેપારીઓને ભોગવવાનો વારો આવે આથી ભાવ વધારાના મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે.

આ સિવાય જાકળ પડી હોય ત્યારે ફૂલનો વજન વધુ હોય છે પરંતુ પછી વજન ઘટી જાય છે. જ્યારે માતાજીની ચુંદડીઓમાં પણ ૧૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે હાલ બજારમાં સાઈઝ અને ડિઝાઈન મુજબ રૃા.૧૦થી લઈ રૃા.૨૫૦ સુધીની ચુંદડીઓ ઉપલબ્ધ છે જેની લોકો જરૃરીયાત મુજબ ખરીદી કરે છે. આમ ફૂલોમાં અને ચુંદડીમાં ભાવ વધારો હોવા છતાં ખરીદીમાં ખાસ ફરક પડયો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here