NATO દેશોએ રશિયાના એરક્રાફ્ટને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. NATO એ રશિયા દ્વારા છેલ્લા ઘણા સપ્તાહથી વારંવાર તેમની એરસ્પેસ પર એરક્રાફ્ટ ઉડાવવા બદલ આ નિર્ણય લીધો છે. ગઈકાલે એસ્ટોનિયા અને પોલેન્ડના એરસ્પેસમાં એરક્રાફ્ટ ઉડાવી રશિયાએ એરસ્પેસના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. યુએસ સિક્યોરિટી કાઉન્સિલે રશિયાની આ હરકતોની નોંધ લેતાં તેનું એરક્રાફ્ટ તોડી પાડવાની જાહેરાત કરી હતી.

બ્રિટિશ ફોરેન સેક્રેટરી યવેટ કુપરે રશિયાને આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ‘તમારી બેદરકારીભરી કાર્યવાહી નાટો અને રશિયા વચ્ચે સીધા સશસ્ત્ર મુકાબલાનું જોખમ વધારે છે. અમારું જોડાણ રક્ષણાત્મક છે પરંતુ કોઈ ભ્રમમાં ન રહો અમે નાટોની એરસ્પેસ અને નાટોના પ્રદેશનું રક્ષણ કરવા માટે તૈયાર છીએ. જો નાટોની એરસ્પેસમાં મંજૂરી વિના દખલગિરી કરી તો જરૂર પડ્યે અમે વિમાનો તોડી પાડતાં ખચકાઈશું નહીં.
‘એસ્ટોનિયામાં ત્રણ રશિયન એરક્રાફ્ટની કવાયત
એસ્ટોનિયાએ જણાવ્યા પ્રમાણે, શુક્રવારે રશિયાના ત્રણ MiG-31 ફાઈટર જેટ્સ મંજૂરી વિના એસ્ટોનિયન એરસ્પેસમાં ઉડાવવામાં આવ્યા હતાં. આ વિમાનો કુલ 12 મિનિટ સુધી એસ્ટોનિયાની એરસ્પેસમાં રહ્યા હતાં. નાટોની તૈયારી અને સંકલ્પશક્તિ ચકાસવા માટે રશિયાએ આ કવાયત હાથ ધરી હતી. એરક્રાફ્ટને પાછા ખેંચવાની ફરજ પાડવામાં આવી ત્યાં સુધી 12 મિનિટ રોકાયા હતાં. યુએન સિક્યોરિટી કાઉન્સિલે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ગઈકાલે સોમવારે આ મુદ્દે બેઠક યોજી હતી. આ બેઠક આજે પણ ચાલુ છે.
પોલેન્ડમાં પણ 20 ડ્રોન ઉડાવ્યા
રશિયાએ ગત અઠવાડિયે પોલેન્ડના એરસ્પેસમાં પણ પ્રવેશ કર્યો હતો. તેણે 20થી વધુ રશિયન ડ્રોન ઉડાવવાની કવાયત હાથ ધરી હતી. જેમાંથી નાટોએ અમુક ડ્રોન તોડી પાડ્યા હતા. રશિયાની નાટો વિરૂદ્ધની આ કવાયતથી સુરક્ષાનું જોખમ વધ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રીએ પણ રશિયાની આ કાર્યવાહીને વખોડી હતી. તેમણે કહ્યું કે, મોસ્કો દ્વારા આ પ્રકારની કાર્યવાહીનો મજબૂતાઈ સાથે સામનો કરવો જોઈએ. વધુમાં રશિયન મોરચાનો સામનો કરવા માટે કીવ દ્વારા તેના હવાઈ સંરક્ષણને પડોશી પશ્ચિમી દેશોના હવાઈ સંરક્ષણ સાથે એકીકૃત કરવાની ઓફરને રિન્યૂ કરવામાં આવી હતી.

