વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે આવેલી એસએસવી સ્કૂલની સ્કૂલ વાન વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલી 14 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી. આ ઘટનાના પગલે અવર જવરથી ધમધમતા આ રોડ પર દોડધામ થઈ ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ઈકો વાન વાઘોડિયા તરફથી વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી. વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા. અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. 14 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીવી ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.
આ ઘટનામાં વાન ચાલકની પણ બેદરકારી હોવાનું કહેવાઈ રહ્યું છે. વાનના ટાયર સાવ જૂના હોવા છતા તેને બદલવાની તસદી લેવામાં આવી નહોતી. સદનસીબે વાન એક તરફ પલટી ખાઈને અટકી ગઈ હતી અને ઉંધી પડી નહોતી. જો ઉંધી પડી હોત તો કદાચ વિદ્યાર્થીઓને વધારે ઈજા પહોંચી હોત. દરમિયાન આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ બપોર સુધી નોંધાઈ નથી.
સ્કૂલ વાન ચાલકો બેફામ, તંત્ર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ
સ્કૂલ વાનનો આ પહેલો અકસ્માત નથી પરંતુ આરટીઓ, પોલીસ અને તંત્ર સ્કૂલ વાનના ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ પૂરવાર થયું છે. ભૂતકાળમાં સ્કૂલ વાનોને અકસ્માત નડયા હોવા છતા વાન ચાલકો ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે. એટલું જ નહીં મોટાભાગના વાન ચાલકો જોખમી રીતે અને આડેધડ વાન હંકારે છે. જેના કારણે અકસ્માતનો ડર રહેતો હોય છે. ઉપરાંત કેટલીક સ્કૂલ વાનો તો સાવ જૂની પુરાણી હોય છે અને તેના કારણે પણ અકસ્માત થવાનો ભય સતત રહેતો હોય છે. મોટાભાગની સ્કૂલો પાસે બસો નથી હોતી. વાલીઓ પણ મજબૂરીમાં વાનમાં બાળકોને સ્કૂલે મોકલે છે. કારણકે મોટાભાગનાને સ્કૂલ દૂર હોય તો બાળકોને લેવા મૂકવા જવાનું ફાવે તેવું નથી હોતું. આમ જોખમ જાણતા હોવા છતા વાલીઓ લાચાર છે.

